
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ટૂંક સમયમાં કેટલાક મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહ્યું છે. આમાં જૂના અને નિષ્ક્રિય (Inactive) PF ખાતા સુધી પહોંચ સરળ બનાવવા માટે નવું E-PRAAPTI પોર્ટલ, TDS નિયમો માટે નવું Form 121 અને EPS પેન્શનમાં સંભવિત વધારાનો સમાવેશ થાય છે. સરકારના આ પગલાં ડિજિટલાઇઝેશન અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, EPFO ટૂંક સમયમાં E-PRAAPTI પોર્ટલ લોન્ચ કરશે. આ પોર્ટલ 'આધાર' આધારિત પ્રમાણીકરણ (Authentication) દ્વારા જૂના અથવા નિષ્ક્રિય EPF ખાતાઓને શોધવા અને ફરીથી એક્ટિવ કરવામાં મદદ કરશે. ખાસ વાત એ છે કે, જે ખાતા UAN સાથે લિંક નથી; તેમને પણ આ પ્લેટફોર્મ દ્વારા એક્સેસ કરી શકાશે. શરૂઆતના તબક્કામાં આ સિસ્ટમ મેમ્બર ID આધારિત હશે. બાદમાં એવા લોકોને પણ જોડવામાં આવશે કે, જેમની પાસે જૂના મેમ્બર ID ની વિગતો નથી. EPFO એ નાણાકીય વર્ષ 2026 માં રેકોર્ડ 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે, જે ગયા વર્ષના 6.01 કરોડ દાવાઓ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આમાંથી મોટી સંખ્યામાં ક્લેમ ઓટો મોડ દ્વારા ત્રણ દિવસમાં પ્રોસેસ કરવામાં આવ્યા હતા.

શ્રમ અને રોજગાર મંત્રાલય EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન વધારવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહ્યું છે. હાલમાં લઘુત્તમ પેન્શન દર મહિને 1,000 રૂપિયા છે. મજૂર સંગઠનો અને પેન્શનરો લાંબા સમયથી તેને વધારીને 7,500 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વર્તમાન રકમ પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી નથી. સરકાર હાલમાં 1,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન જાળવી રાખવા માટે દર વર્ષે 950 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપે છે. સંસદીય સમિતિ પણ પેન્શન વધારાના પક્ષમાં છે અને તેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

1 એપ્રિલથી EPFO એ Form 15G અને Form 15H ના સ્થાને નવું Form 121 લાગુ કરી દીધું છે. આનો હેતુ EPF ઉપાડ પર TDS રાહતની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. પહેલા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ Form 15G અને વરિષ્ઠ નાગરિકોએ Form 15H ભરવું પડતું હતું. હવે તમામ પાત્ર લોકો એક જ Form 121 દ્વારા અરજી કરી શકશે.

નવી સિસ્ટમ આવકવેરા ડેટાબેઝ સાથે જોડાણ દ્વારા ઝડપી પ્રોસેસિંગ અને ઓછી ભૂલોમાં મદદ કરશે. જો કે, તપાસ પહેલા કરતા વધુ કડક હશે. PAN, આધાર અને બેંક વિગતો યોગ્ય રીતે લિંક તેમજ વેરિફાઈડ હોવી જરૂરી છે અન્યથા TDS કપાઈ શકે છે. આ ફોર્મ એવા લોકોને TDS માંથી રાહત આપશે કે, જેમની આવક ટેક્સ મર્યાદાથી નીચે છે અને જેઓ 50,000 રૂપિયાથી વધુનો EPF ઉપાડ કરી રહ્યા છે. જો કે, આ ફોર્મ દરેક નાણાકીય વર્ષમાં અને ઉપાડ કરતા પહેલા જમા કરવું જરૂરી રહેશે.