
ઘર માટે નવું પ્રિન્ટર ખરીદતી વખતે મનમાં અવારનવાર મૂંઝવણ રહે છે. બજારમાં સામાન્ય ઇંકજેટથી લઈને ઇંક ટેન્ક અને લેસર પ્રિન્ટર જેવા વિવિધ વિકલ્પો મળે છે. આવી સ્થિતિમાં પ્રિન્ટર વાપરવામાં સરળ હોવાની સાથે-સાથે ખર્ચમાં સસ્તું અને મેઇન્ટેનન્સમાં સરળ રહે તે પસંદ કરવું જરૂરી બને છે.

બાળકોના સ્કૂલ-કોલેજના પ્રોજેક્ટ્સ હોય કે પછી ઓફિસ-બિઝનેસની નાની-મોટી જરૂરિયાતો, પ્રિન્ટર હવે ઘર-ઘરની જરૂરિયાત બની ચૂક્યું છે. વારંવાર ઝેરોક્ષની દુકાનોના ધક્કા ખાવા કરતાં પોતાનું પ્રિન્ટર વસાવવું વધુ અનુકૂળ રહે છે. જોકે પ્રિન્ટર ખરીદતાં પહેલાં તેની ટેકનોલોજી, પ્રતિ પેજ પ્રિન્ટિંગ ખર્ચ અને તમારા માસિક વપરાશને સમજી લેવો હિતાવહ છે.

ઓછો વપરાશ હોય તો ખરીદો ઇંકજેટ પ્રિન્ટર: જો તમારો પ્રિન્ટિંગ વપરાશ ખૂબ જ ઓછો છે અને મહિનામાં માત્ર 10 થી 15 પાના જ પ્રિન્ટ કરવાના હોય, તો વધુ પૈસા ખર્ચ્યા વિના બેઝિક ઇંકજેટ પ્રિન્ટર ખરીદી શકાય છે. આ પ્રિન્ટર આશરે ₹2,500 થી ₹4,000 માં મળી રહે છે. આ પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ માટે કાર્ટ્રિજનો ઉપયોગ થાય છે અને નવી કાર્ટ્રિજનો ખર્ચ ₹1,000 થી ₹1,800 સુધીનો આવે છે. જેના કારણે એક પેજની પ્રિન્ટિંગ પડતર ₹5 થી ₹7 જેટલી બેસે છે. આ પ્રિન્ટરમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ ન કરવામાં આવે, તો કાર્ટ્રિજની શાહી સુકાઈ જવાનું જોખમ રહે છે.

નિયમિત વપરાશ માટે સૌથી ઉત્તમ ઇંક ટેન્ક પ્રિન્ટર: જો તમે એવું પ્રિન્ટર શોધી રહ્યા હોવ જેમાં પેજ પ્રિન્ટ કરવાની કોઈ ચિંતા ન રહે અને જે વિદ્યાર્થીઓ, વર્ક ફ્રોમ હોમ કરતા પ્રોફેશનલ્સ તેમજ નાના વેપારીઓ માટે સૌથી કિફાયતી સાબિત થાય, તો ઇંક ટેન્ક પ્રિન્ટર શ્રેષ્ઠ પસંદગી છે. આ પ્રિન્ટર્સ સામાન્ય રીતે ₹11,000 થી ₹16,000 ની રેન્જમાં ઉપલબ્ધ થાય છે.

શરૂઆતમાં તેની ખરીદ કિંમત થોડી વધારે લાગી શકે છે, પરંતુ લાંબા ગાળે તેનો વપરાશ ખર્ચ અત્યંત ઓછો આવે છે. આમાં અલગથી મોંઘી કાર્ટ્રિજ ખરીદવી પડતી નથી, તેના બદલે સસ્તી ઇંક બોટલથી રિફિલ કરી શકાય છે. તેમાં બ્લેક એન્ડ વ્હાઇટ પેજની છાપણીનો ખર્ચ માત્ર 15 થી 25 પૈસા અને રંગીન પેજનો ખર્ચ 40 થી 50 પૈસા જેટલો જ આવે છે. જેથી વધુ પાના પ્રિન્ટ કરવા છતાં ખિસ્સા પર બોજ પડતો નથી.

વધુ દસ્તાવેજોની પ્રિન્ટ માટે લેસર પ્રિન્ટર: જો તમને કલર પ્રિન્ટની બિલકુલ જરૂર ન હોય અને માત્ર ઇન્વોઇસ, કાયદાકીય દસ્તાવેજો કે બિલ વગેરે પ્રિન્ટ કરવાના હોય, તો સિંગલ-કલર (મોનોક્રોમ) લેસર પ્રિન્ટર ખરીદવું ફાયદાકારક રહે છે. આ પ્રિન્ટર્સ આશરે ₹12,000 થી ₹18,000 ની રેન્જમાં મળે છે. તેમાં લિક્વિડ શાહીના બદલે સૂકો ટોનર પાવડર વપરાય છે, જેથી પ્રિન્ટર મહિનાઓ સુધી બંધ રહે તો પણ શાહી સુકાવાની કોઈ સમસ્યા થતી નથી. નવો ટોનર ₹2,000 થી ₹3,500 માં આવે છે, જેથી પ્રતિ પેજ ખર્ચ આશરે ₹1.50 થી ₹2 ની આસપાસ રહે છે. ઝડપી પ્રિન્ટ સ્પીડ અને અતિ સ્પષ્ટ ટેક્સ્ટ માટે લેસર પ્રિન્ટર સૌથી ટકાઉ માનવામાં આવે છે.

પ્રિન્ટર ખરીદતી વખતે આ ફીચર્સ ખાસ ચકાસો: વાય-ફાય કનેક્ટિવિટી (Wi-Fi): પ્રિન્ટરમાં વાયરલેસ વાઇ-ફાઇ ફીચર હોવું ખૂબ જરૂરી છે, જેથી વાયર જોડ્યા વગર સીધા મોબાઇલ કે લેપટોપ પરથી પ્રિન્ટ આપી શકાય. ઓલ-ઇન-વન (સ્કેન અને ફોટોકોપી): પ્રિન્ટરમાં સ્કેનર અને ઝેરોક્ષની સુવિધા હોય તો દસ્તાવેજો સ્કેન કરવા કે કોપી કઢાવવા બહાર જવું પડતું નથી.