
તમે જ્યારે પણ તમારી કાર કે બાઇક લઈને પેટ્રોલ પંપ પર પહોંચો છો, ત્યારે અવારનવાર ત્યાં લાંબી લાઇન જોવા મળે છે. અવારનવાર ત્યાં ગ્રાહકોની ભીડ જ દેખાય છે. આ પરથી કહી શકાય કે, પેટ્રોલ પંપના બિઝનેસમાં ગ્રાહકોની અછત ક્યારેય વર્તાવાની નથી. જો તમે પણ એક એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો કે, જેમાં દરરોજ મોટી કમાણી થાય અને કારોબાર પણ સતત વધતો રહે, તો પેટ્રોલ પંપ ખોલવું એ એક ઉત્તમ વિકલ્પ છે.

દેશમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને પેટ્રોલ-ડીઝલની માંગ ક્યારેય ઓછી થતી નથી. આ જ કારણે પેટ્રોલ પંપનો બિઝનેસ આજે પણ ઘણો સુરક્ષિત અને નફાકારક માનવામાં આવે છે. જો કે, આ બિઝનેસ શરૂ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે, પેટ્રોલ પંપ કેવી રીતે ખોલી શકાય, તેમાં કેટલો ખર્ચ થાય છે અને તેનાથી કેટલી કમાણી થઈ શકે છે.

પેટ્રોલ પંપ ખોલવા માટે કેટલીક જરૂરી શરતો હોય છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. શહેરી વિસ્તાર માટે સામાન્ય રીતે ગ્રેજ્યુએશન (સ્નાતક) અને ગ્રામીણ વિસ્તાર માટે 10મું અથવા 12મું પાસ હોવું જરૂરી છે. આ ઉપરાંત, તમારી પાસે નક્કી કરવામાં આવેલી ન્યૂનતમ મૂડી અને જમીન પણ હોવી જોઈએ. આ સાથે જ, અરજદારનો કોઈ Criminal Record હોવો જોઈએ નહીં.

પેટ્રોલ પંપ ખોલવા માટે જમીન સૌથી મહત્વની જરૂરિયાત છે. પેટ્રોલ પંપ માટે જરૂરી જમીનનું કદ તેના લોકેશન (સ્થળ) પર આધાર રાખે છે. હાઇવે પર પેટ્રોલ પંપ માટે સામાન્ય રીતે અંદાજે 1200 થી 1600 ચોરસ મીટર જમીનની જરૂર હોય છે, જ્યારે શહેર કે કસબામાં આ જરૂરિયાત અંદાજે 800 થી 1000 ચોરસ મીટર સુધીની હોઈ શકે છે.

જમીન પોતાની માલિકીની પણ હોઈ શકે છે અથવા તો તેને લીઝ પર પણ લઈ શકાય છે. લોકેશન જેટલું સારું હશે, પેટ્રોલ અને ડીઝલનું વેચાણ પણ એટલું જ વધારે થશે, તેથી જગ્યાની યોગ્ય પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ધ્યાન રાખવું જોઈએ કે, જમીન કોઈપણ પ્રકારના કાયદાકીય વિવાદથી મુક્ત હોય.

ભારતમાં પેટ્રોલ પંપ ખોલવા માટે ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી ઓઈલ કંપનીઓ સમયાંતરે જાહેરાતો બહાર પાડે છે. આ માટેની અરજી ઓનલાઇન કરવામાં આવે છે. અરજદારોની પસંદગી લોટરી અથવા મેરિટ (ગુણવત્તા) ના આધારે કરવામાં આવે છે. પસંદગી થયા પછી કંપની તે જગ્યાની તપાસ કરે છે, જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે અને પેટ્રોલ પંપ ચલાવવા માટેની ટ્રેનિંગ (તાલીમ) પણ આપવામાં આવે છે.

પેટ્રોલ પંપ ખોલવાનો કુલ ખર્ચ તેના લોકેશન (સ્થળ) પર આધાર રાખે છે. ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ શરૂ કરવાનો ખર્ચ સામાન્ય રીતે ₹15 લાખથી ₹25 લાખ સુધીનો હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ ખર્ચ વધીને અંદાજે ₹30 લાખથી ₹50 લાખ સુધી પહોંચી શકે છે.

હાઇવે પર પેટ્રોલ પંપ ખોલવા માટે સૌથી વધુ રોકાણની જરૂર પડે છે, જ્યાં ખર્ચ ₹50 લાખથી ₹1 કરોડ જેટલો થઈ શકે છે. આ કુલ ખર્ચમાં સિક્યોરિટી ડિપોઝિટ, સ્ટોરેજ ટેન્ક, મશીનો, શેડ, ઓફિસ અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, જ્યારે જમીનની કિંમત આમાં જોડવામાં આવતી નથી.

પેટ્રોલ પંપની કમાણી મુખ્યત્વે પ્રતિ લિટરે મળતા કમિશન પર આધાર રાખે છે. સામાન્ય રીતે પેટ્રોલ પર અંદાજે ₹3 થી ₹4 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹2 થી ₹3 પ્રતિ લિટર કમિશન મળે છે. જો કોઈ પેટ્રોલ પંપ પર દરરોજ આશરે 3000 લિટરનું વેચાણ થતું હોય, તો મહિનાના હિસાબે સારી એવી આવક ઊભી થઈ શકે છે.

આ ઉપરાંત, એર ફિલિંગ (હવા પૂરવી), એન્જિન ઓઈલનું વેચાણ, શોપ કે કેફે અને વાહન ધોવા (વ્હીકલ વોશિંગ) જેવી વધારાની સુવિધાઓથી પણ કમાણીમાં વધારો થઈ શકે છે. જો આપણે સરેરાશ કમિશન પ્રતિ લિટર ₹2.50 માનીએ અને રોજનું વેચાણ લગભગ 3000 લિટર ગણીએ, તો દૈનિક કમાણી આશરે ₹7,500 થાય છે. આ મુજબ, મહિનાની અંદાજિત કુલ આવક લગભગ ₹2,25,000 સુધી પહોંચી શકે છે. જો કે, આ કુલ કમાણીમાંથી સ્ટાફનો પગાર, વીજળીનું બિલ અને બીજા દૈનિક ખર્ચ બાદ કરવાના રહે છે, ત્યારબાદ જ ચોખ્ખો નફો નક્કી થાય છે.

બીજીબાજુ, હાઇવે અથવા વધુ વેચાણ ધરાવતી જગ્યાઓ પર આ કમાણી ₹5 લાખ અથવા તેનાથી પણ વધારે થઈ શકે છે. પેટ્રોલ પંપ માટે બેંક લોન ઉપલબ્ધ હોય છે. અમુક કિસ્સાઓમાં MSME હેઠળ પણ સહાય મળી શકે છે. ઓઇલ કંપનીઓ ટ્રેનિંગ (તાલીમ) અને ટેકનિકલ સપોર્ટ પણ પૂરો પાડે છે.

પેટ્રોલ પંપ ખોલવું સરળ નથી પરંતુ યોગ્ય પ્લાનિંગ, યોગ્ય લોકેશન અને પૂરતા રોકાણ સાથે તે લાંબા સમય સુધી ચાલનારો તેમજ નફાકારક બિઝનેસ સાબિત થઈ શકે છે. જો તમે સેફ રિટર્ન (સુરક્ષિત વળતર) અને સ્ટેબલ ઇન્કમ (સ્થિર આવક) ઈચ્છતા હોવ, તો પેટ્રોલ પંપ એક ઉત્તમ બિઝનેસ ઓપ્શન છે.