
શ્રીલંકા પ્રવાસમાં 2-0 થી ક્લીન સ્વીપ ચૂક્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભવિષ્યના ટેસ્ટ બોલિંગ આક્રમણને તૈયાર કરવા સક્રિય બન્યું છે. શ્રીલંકા ટેસ્ટ સ્ક્વોડનો ભાગ હોવા છતાં પ્લેઇંગ-11માં સ્થાન ન મેળવી શકનારા બે યુવા ફાસ્ટ બોલર્સ ગુરનૂર બ્રાર અને આકિબ નબીને આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં લાલ બોલથી મેચ પ્રેક્ટિસ આપવા માટે મોટો નિર્ણય લેવાયો છે. ભારતીય ટીમે 22 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર વચ્ચે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચ રમાવાની છે.

BCCIએ ઘડ્યો ખાસ પ્લાન: ટીમ મેનેજમેન્ટે બંને ઝડપી બોલરો માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં બેન્ચ પર બેસી રહેલા પંજાબના ઊંચા કદના ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને તાત્કાલિક રેડ બોલ મેચ રમવા મોકલવામાં આવી રહ્યા છે. BCCI થિંક-ટેન્કના નિર્દેશ મુજબ, બ્રાર દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં નોર્થ ઝોન તરફથી સાઉથ ઝોન સામે મેદાનમાં ઉતરશે.

30 ઓગસ્ટથી સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે શરૂ થનારી આ મેચમાં તે સુનીલ કુમારના સ્થાને અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજ સાથે પેસ આક્રમણ સંભાળી શકે છે.

આકિબ નબીને કાઉન્ટી ક્રિકેટ મોકલવાની તૈયારી: રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં 60 વિકેટ ઝડપીને તરખાટ મચાવનારા જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી માટે BCCI ઈંગ્લિશ કાઉન્ટીમાં શોર્ટ-ટર્મ ડીલની વ્યવસ્થા કરી રહ્યું છે. અહેવાલો મુજબ, બોર્ડ સરે (Surrey) અને હેમ્પશાયર (Hampshire) જેવી મોટી કાઉન્ટી ક્લબો સાથે વાતચીત કરી રહ્યું છે. સાથોસાથ બોર્ડ નબીની યુકે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે, જેથી તે કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ તબક્કામાં 2 થી 3 મેચ રમી શકે અને ન્યૂઝીલેન્ડ જેવી વિદેશી પરિસ્થિતિઓ માટે સંપૂર્ણ સજ્જ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા પ્રવાસમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને મુખ્ય ફાસ્ટ બોલર તરીકે રમાડવામાં આવ્યા હતા, જેના કારણે ગુરનૂર બ્રાર અને આકિબ નબીને એક પણ તક મળી નહોતી. જોકે સિરાજે શ્રીલંકામાં 44 ઓવર ફેંકીને માત્ર 4 વિકેટ મેળવી હતી. આથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને આકિબ નબી અને ગુરનૂર બ્રારને વધુ મજબૂત બનાવી ટેસ્ટ બોલિંગ પૂલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.