
આજકાલ ફિટનેસ પ્રેમીઓ પોતાના ડાયેટમાં એવોકાડોનો સમાવેશ કરી રહ્યા છે. તેની ક્રીમી બનાવટ અને ઉત્તમ સ્વાદના કારણે તેને નાસ્તાથી લઈને સલાડ સુધીમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફળને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' કહેવામાં આવે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ ફળને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' કે 'સુપરફૂડ' કેમ કહેવામાં આવે છે?

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોનો એવો ખજાનો છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને અનેક બીમારીઓથી બચાવે છે. એવોકાડો એ કોઈપણ સામાન્ય ફળ કરતા તદ્દન અલગ છે. મોટાભાગના ફળોમાં જ્યાં કાર્બોહાઈડ્રેટ કે નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં એવોકાડો 'હેલ્ધી ફેટ્સ' નો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. તેમાં લગભગ 20 અલગ-અલગ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આમાં મુખ્યત્વે વિટામિન K, વિટામિન E, વિટામિન C, ફોલેટ અને ભરપૂર ફાઈબર હોય છે. આ સિવાય એવોકાડો પોટેશિયમનો પણ સરસ સ્ત્રોત છે.

તબીબી નિષ્ણાતનું કહેવું છે કે, એવોકાડોમાં ઓલિક એસિડ નામનું મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. આ તત્વ શરીરમાં સોજો ઘટાડે છે અને 'બેડ કોલેસ્ટ્રોલ' ને ઘટાડીને 'ગુડ કોલેસ્ટ્રોલ' ને વધારે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

અવારનવાર લોકો વિચારે છે કે, ફેટ હોવાના કારણે એવોકાડો વજન વધારશે પરંતુ હેલ્થ એક્સપર્ટ આનાથી વિપરીત જણાવે છે. તેમાં ઉચ્ચ માત્રામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર હોય છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે, જેનાથી તમે ઓવરઈટિંગથી બચો છો અને વજન સરળતાથી કંટ્રોલ થાય છે.

આ સુપરફૂડમાં લ્યુટિન અને ઝેક્સેન્થિન જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હાજર હોય છે. આરોગ્ય નિષ્ણાત જણાવે છે કે, આ તત્વો મોતિયા અને વધતી ઉંમર સાથે જોડાયેલી આંખોની બીમારીઓનું જોખમ ઘણું હદ સુધી ઘટાડી દે છે.