
ખાસ રીતે તાલીમ પામેલા શ્વાન સૈનિકો વિસ્ફોટકો અને માઇન્સની શોધ કરવાથી લઈને ટ્રેકિંગ, સુરક્ષા તેમજ બચાવ કામગીરી સુધીના કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, માનવ સૈનિકોથી વિપરીત તેમને તેમની સેવા પૂર્ણ કર્યા પછી માસિક પગાર કે પેન્શન મળતું નથી. તેના બદલે સૈન્ય નિવૃત્તિ પછી તેમની સંભાળની જવાબદારી લે છે અને તેમના ખોરાક, રહેઠાણ તેમજ તબીબી સારવારની વ્યવસ્થા કરે છે.

ભારતીય સૈન્યના શ્વાનોને નિવૃત્તિ પછી રોકડ પેન્શન અથવા માસિક પગાર મળતો નથી. હવે આનો અર્થ એ નથી કે, તેમની સેવા સહાય વિના સમાપ્ત થઈ જાય છે. નિવૃત્તિ પછી સરકાર અને સૈન્ય તેમની નિરંતર સંભાળની વ્યવસ્થા કરે છે. આહાર અને તબીબી સંભાળ સહિતના નિવૃત્તિ પછીના તેમના ખર્ચાઓ સરકાર સમર્થિત સુવિધાઓ દ્વારા આવરી લેવામાં આવે છે. આનાથી નિવૃત્ત શ્વાન સૈનિકોને તેમનું બાકીનું જીવન સુરક્ષિત અને આરામદાયક વાતાવરણમાં વિતાવવાની તક મળે છે.

પોતાની સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત શ્વાનોને સમર્પિત પુનર્વસન સુવિધાઓમાં લઈ જવામાં આવે છે. આવી જ એક સુવિધા ઉત્તર પ્રદેશના મેરઠમાં રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સ સેન્ટર એન્ડ કોલેજમાં આવેલું વૃદ્ધાશ્રમ છે. આ શ્વાનોને ઉત્તરાખંડના હેમપુરમાં આવેલી સુવિધામાં પણ રાખી શકાય છે. આ સુવિધા ખાસ કરીને એવા શ્વાનોની સંભાળ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમણે તેમની સૈન્ય ફરજો પૂર્ણ કરી લીધી છે અને હવે સક્રિય સેવા માટે યોગ્ય નથી.

સરકાર આ સૈન્ય શ્વાનોની સંભાળ માટે ભંડોળ પૂરું પાડે છે. પુનર્વસન સુવિધાઓમાં તેમના ખોરાક, સ્વાસ્થ્ય સંભાળ અને અન્ય મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ કારણે શ્વાનોને તેમની સૈન્ય કારકિર્દી પૂર્ણ કર્યા પછી પોતાના ભરોસે છોડી દેવામાં આવતા નથી. આ વ્યવસ્થા સેવાના વર્ષો દરમિયાન આ પ્રાણીઓની ભૂમિકાને સ્વીકારે છે અને સુનિશ્ચિત કરે છે કે, નિવૃત્તિ પછી પણ તેમને સંભાળ મળે.

લાગુ પડે તેવી ચકાસણી પ્રક્રિયાને આધીન નિવૃત્ત સૈન્ય શ્વાન સામાન્ય નાગરિકો, શાળાઓ અને શ્વાન પ્રેમીઓને દત્તક આપી શકાય છે. રસ ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાએ સંબંધિત RVC સેન્ટરને લેખિત અરજી સબમિટ કરવાની રહેશે. અરજદારની ચકાસણી અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી નિવૃત્ત શ્વાનને દત્તક લેવા માટે સોંપી શકાય છે. જો કે, એકવાર દત્તક લીધા પછી નવો માલિક શ્વાનના ખોરાક, સ્વાસ્થ્ય સંભાળ અને અન્ય ખર્ચાઓ માટે જવાબદાર બને છે.

તાલીમ ત્યારે જ શરૂ થાય છે, જ્યારે શ્વાનના નાના બચ્ચા હોય છે. ગલુડિયાઓ સામાન્ય રીતે લગભગ 6 મહિનાની ઉંમરે ખાસ તાલીમ શરૂ કરે છે. તાલીમ લગભગ 6 થી 9 મહિના સુધી ચાલે છે. તેમની ક્ષમતા અને જરૂરિયાતના આધારે શ્વાનોને માઇન્સ શોધવા, વિસ્ફોટકો શોધવા, ટ્રેકિંગ, ચોકીદારી અને બચાવ કામગીરી સહિતની ખાસ ભૂમિકાઓ માટે તાલીમ આપવામાં આવે છે. તેમની તાલીમ ખૂબ જ કડક હોય છે કારણ કે, શ્વાનોને અંતે એવા વાતાવરણમાં તૈનાત કરવામાં આવી શકે છે; જ્યાં છુપાયેલા વિસ્ફોટકોની શોધ કરવી અથવા કોઈ વ્યક્તિને શોધવી એ જીવન અને મરણનો સવાલ હોઈ શકે છે.

સૈન્ય શ્વાન સામાન્ય રીતે લગભગ 8 થી 9 વર્ષ સુધી સેવા આપે છે. જો કે, નિવૃત્તિ તેમની શારીરિક ફિટનેસ અને પોતાની ફરજ ચાલુ રાખવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. એકવાર જ્યારે કોઈ શ્વાન મુશ્કેલ સૈન્ય કાર્યો કરવા માટે શારીરિક રીતે સક્ષમ રહેતો નથી, ત્યારે તેને નિવૃત્ત કરવામાં આવે છે. આ સાથે તેને સેવા પછીની સંભાળમાં લઈ જવામાં આવે છે અથવા લાગુ નિયમો હેઠળ દત્તક લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સૈન્યના શ્વાનોને સૈન્ય ટુકડીઓના અનિવાર્ય સભ્યો તરીકે જ ગણવામાં આવે છે અને તેમને તેમની કારકિર્દી દરમિયાન સર્વિસ નંબર તેમજ રેન્ક આપવામાં આવે છે. સારું પ્રદર્શન કરનારા શ્વાનોને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત થઈ શકે છે. સૈન્યના કેટલાક શ્વાનોને તેમની સેવા અને બલિદાન માટે મરણોત્તર વીરતા પુરસ્કાર પણ મળ્યા છે.