
મીડિયા રિપોર્ટસ મુજબ, નવી દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસે 1 ઓગસ્ટ, 2025 થી પાસપોર્ટ કલેક્શન પ્રોસેસમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે. વિઝા અરજદારોએ હવે વ્યક્તિગત રીતે પાસપોર્ટ કલેક્શન કરવું પડશે અથવા પ્રતિ અરજદાર ₹1,200 ની હોમ ડિલિવરી સર્વિસ પસંદ કરવી પડશે.

જો તમે 18 વર્ષથી નાના છો, તો પાસપોર્ટ ફક્ત તમારા માતા-પિતા જ દસ્તાવેજ થકી મેળવી શકે છે. આ દસ્તાવેજ માત્ર ત્યારે જ મળશે, જ્યારે માતા-પિતા ખાસ સંમતિ ફોર્મ અને ID સાથે લાવશે.

જે લોકો રૂબરૂ પાસપોર્ટ લેવા માટે આવી શકતા નથી, તેમના માટે દૂતાવાસે ₹1,200 ની ફીમાં હોમ અથવા ઓફિસ ડિલિવરીનો વિકલ્પ પણ શરૂ કર્યો છે. જણાવી દઈએ કે, પાસપોર્ટની સુરક્ષાને વધુ સારી બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

પાસપોર્ટ અને વિઝા મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં ભારત સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ફોટો ID જેમાં તમારું સરનામું હોય, જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ અને હા, આ સાથે જ ID ની ફોટોકોપી પણ સાથે રાખવી પડશે. આ સિવાય તમારે એપોઇન્ટમેન્ટ લેટર અને તેની એક નકલ પણ સાથે રાખવી પડશે.

બાળકોના વિઝા મેળવવા માટે તેમનું જન્મ પ્રમાણપત્ર અથવા શાળા ID કાર્ડ અને માતા-પિતાના ફોટો ID ની અસલી તથા ઝેરોક્સ કોપી આપવી જરૂરી છે. આ ઉપરાંત, માતા-પિતાની સહીવાળું લેખિત સંમતિ પત્ર આપવું ફરજિયાત છે. નોંધનીય છે કે, લેખિત સંમતિ પત્ર સ્કેન અથવા ઇમેઇલ ફોર્મેટમાં સ્વીકારવામાં નહીં આવે. વધુમાં માતા-પિતાના ફોટો ID ની નકલ પણ સબમિટ કરવી પડશે.

સરકારી નોકરીઓ માટેના ID કાર્ડ, સીનિયર સિટીઝન કાર્ડ અથવા PAN કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં. આ નિયમ ભારતમાં તમામ યુએસ વિઝા અને પાસપોર્ટ કલેક્શન સેન્ટર પર લાગુ છે.
Published On - 6:04 pm, Fri, 8 August 25