
ગરમીની મોસમ શરૂ થતાં જ ઘરોમાં એર કન્ડીશનર (AC) નો વપરાશ ખૂબ વધી જાય છે. તેની સાથે જ દરેક ઘરના બજેટમાં સૌથી મોટી ચિંતા વીજળીના વધતા બિલની હોય છે. ખાસ કરીને Inverter AC વાપરતા લોકોના મનમાં હંમેશાં એ સવાલ રહે છે કે AC ને થોડી-થોડી વારે બંધ કરવું સારું કે સતત ચાલુ રાખવું.

એસી રિપેરિંગના ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ ધરાવતા એક્સપર્ટ જણાવે છે કે, ઈન્વર્ટર AC નું કમ્પ્રેસર જરૂરિયાત મુજબ પોતાની સ્પીડ ઓછી કે વધારે કરી શકે છે. જ્યારે રૂમનું તાપમાન તમારા સેટ કરેલા ટેમ્પરેચર પર પહોંચી જાય છે, ત્યારે કમ્પ્રેસર તદ્દન બંધ થવાને બદલે ધીમી ઝડપે ચાલવા લાગે છે.

પરંપરાગત ફિક્સ્ડ-સ્પીડ (Fixed-Speed AC) નું કમ્પ્રેસર એક જ ક્ષમતા પર ચાલે છે અને રૂમ ઠંડો થતાં જ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. રૂમમાં ગરમી વધતાં તે ફરીથી ફૂલ સ્પીડમાં ચાલુ થાય છે. જ્યારે Inverter AC કમ્પ્રેસરની સ્પીડ ફ્લેક્સિબલ રાખીને સતત કૂલિંગ જાળવી રાખે છે.

જો તમે થોડા-થોડા સમયે AC ને ON અને OFF કર્યા કરો છો, તો રૂમ ફરીથી ગરમ થઈ જાય છે. આ ગરમી દૂર કરવા માટે કમ્પ્રેસરે ફરીથી ફૂલ પાવર પર મહેનત કરવી પડે છે, જેનાથી વીજળીનો વપરાશ ખૂબ વધી જાય છે અને કૂલિંગ પણ બરાબર મળતું નથી.

નિષ્ણાતોના મતે જો તમે 3 થી 4 કલાક સુધી સતત રૂમમાં બેસવાના હોવ, તો AC ને વારંવાર બંધ કરવાને બદલે એક આરામદાયક તાપમાન પર સતત ચાલુ રાખવું વધુ ફાયદાકારક છે. આનાથી ઈન્વર્ટર કમ્પ્રેસર ઓછી ઝડપે ચાલીને પાવર બચાવે છે.

એક સ્થિર તાપમાને AC ચલાવવું સારું છે પણ એનો અર્થ એ નથી કે રૂમ ખાલી હોય તો પણ AC ચાલુ રાખવું. જો તમે લાંબા સમય માટે રૂમની બહાર જઈ રહ્યા હોવ, તો AC બંધ કરી દેવું જ બુદ્ધિમાની છે. ખાલી રૂમમાં AC ચાલુ રાખવાથી વીજળીનો બિનજરૂરી વેડફાટ થાય છે.

ઘણા લોકો ઝડપી કૂલિંગ માટે AC નું તાપમાન 18°C પર સેટ કરી દે છે, જે તદ્દન ખોટું છે. બહારનું તાપમાન વધુ હોય ત્યારે 18°C સુધી પહોંચવા માટે AC ને ખૂબ પાવર વાપરવો પડે છે. નિષ્ણાતોના મતે વીજળી બચાવવા માટે 24°C થી 26°C નું તાપમાન સૌથી બેસ્ટ છે.

રાત્રે સુતી વખતે અથવા રૂમ છોડવાના થોડા સમય પહેલાં AC માં Timer અથવા Sleep Mode નો ઉપયોગ કરવો જોઈએ. આ ફીચરથી રૂમમાં જરૂરિયાત મુજબ જ કૂલિંગ થાય છે અને એસી વધારાનો સમય ચાલીને વીજળીનો વ્યય કરતું નથી.

જો તમારા રૂમના બારી-બારણાં વારંવાર ખુલે છે અથવા રૂમમાં સીધો તડકો આવે છે, તો પણ AC પર લોડ વધે છે. તેથી AC ચાલુ હોય ત્યારે રૂમને યોગ્ય રીતે બંધ રાખવો જેથી કમ્પ્રેસર પર વધારાનું દબાણ ન આવે અને લાઈટ બિલ ઓછું આવે.

ટૂંકમાં, જો તમે રૂમમાં હાજર હોવ તો Inverter AC ને વારંવાર ON/OFF ન કરતા 24-26 ડિગ્રી પર સતત ચાલવા દો. પરંતુ જો તમે રૂમમાંથી બહાર જઈ રહ્યા હોવ, તો તેને બંધ કરી દેવું જ યોગ્ય છે. આ નાની ટિપ્સ ફોલો કરવાથી તમારું લાઈટ બિલ નોંધપાત્ર રીતે ઘટી જશે.