
જો તમારી આવક 12 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું રાજ્ય પણ છે કે જ્યાંના રહેવાસીઓ વર્ષમાં 12 લાખ રૂપિયા કે 12 કરોડ રૂપિયા કમાય તો પણ તેમને એક રૂપિયો ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી.

સિક્કિમ દેશનું એકમાત્ર રાજ્ય છે કે જ્યાં નાગરિકોને તેમની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જેના કારણે તેમની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે.

જણાવી દઈએ કે, આ ઉત્તરપૂર્વીય રાજ્ય પોતાના જ સિક્કિમ આવકવેરા માર્ગદર્શિકા, 1948નું પાલન કરે છે. જે 1975થી ટેક્સ કાયદાઓનું સંચાલન કરે છે. આ નિયમ હેઠળ, સિક્કિમના કોઈપણ રહેવાસીએ ભારત સરકારને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.

મીડિયા અહેવાલો મુજબ, સિક્કિમનો ટેક્સ કાયદો વર્ષ 2008માં નાબૂદ કરવામાં આવ્યો હતો. તે જ વર્ષે કેન્દ્રીય બજેટમાં કલમ 10(26AAA) દાખલ કરવામાં આવી હતી, જેનાથી સિક્કિમના રહેવાસીઓને કરમાંથી છૂટ આપવામાં આવી હતી.

2008માં, કેન્દ્ર સરકારે સિક્કિમના 94 ટકાથી વધુ લોકોને આવકવેરામાં મુક્તિ આપી હતી. તે જ સમયે, કલમ 10 (26AAA) હેઠળ, સિક્કિમના લોકોને શેર પરથી મળતા ડિવિડન્ડની આવક પર એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી.

ભારતની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે, કલમ 10 (26AAA) હેઠળ ઉપલબ્ધ કર મુક્તિ સિક્કિમના તમામ લોકોને મળશે, જેમાં તે લોકો પણ શામેલ છે કે જે ભારત સાથેના જોડાણ પહેલા સિક્કિમ રાજ્યમાં કાયમી રીતે વસવાટ કરતાં હતાં.