
આર્થિક સંકટથી ઘેરાયેલા વેનેઝુએલા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વેનેઝુએલા સરકાર અને વિપક્ષ સેન્ટ્રલ બેંકના લગભગ 4 અબજ ડોલર (લગભગ 38,000 થી 40,000 કરોડ રૂપિયા) ના ગોલ્ડ રિઝર્વને બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી હટાવીને ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્કમાં ટ્રાન્સફર કરવા માટે એક સમજૂતીની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. જો કે, રોયટર્સ આ રિપોર્ટની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.

પ્રસ્તાવિત કરાર હેઠળ, કાર્યવાહક સરકાર સંભાળી રહેલા ડેલસી રોડ્રિગ્ઝને આ સોના પર કાનૂની નિયંત્રણ મળી જશે પરંતુ તેઓ તરત જ આ ગોલ્ડ હોલ્ડિંગ્સને વેચી શકશે નહીં.

આ સોનાનો ઉપયોગ સરકારી દેવા માટે ગેરંટી (કોલેટરલ) તરીકે કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ જૂનમાં આવેલા વિનાશક ભૂકંપ પછી દેશના પુનઃનિર્માણ અને અનિયંત્રિત ફુગાવા (મોંઘવારી) સામે લડવા માટે કરવામાં આવે તેવી અપેક્ષા છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડે વર્ષોથી વેનેઝુએલાના લગભગ 31 મીટ્રિક ટન (31,000 કિલોગ્રામ) સોનાને રોકી રાખ્યું હતું. બ્રિટિશ બેંકની દલીલ હતી કે, તે નિકોલસ માદુરોની સરકારને કાયદેસર નથી માનતી.

આ કેસ બ્રિટિશ અદાલતોમાં લાંબા સમયથી કાનૂની વિવાદમાં ઘેરાયેલો છે. જાન્યુઆરીમાં અમેરિકા દ્વારા માદુરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ કાર્યવાહક પ્રમુખ ડેલસી રોડ્રિગ્ઝે કિંગ ચાર્લ્સને પણ આ સોનું મુક્ત (રિલીઝ) કરવા માટે વિનંતી કરી હતી.

બ્રિટિશ વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ કાનૂની કેસમાં પક્ષકાર નથી, કારણ કે UKની અદાલતો અને બેંક ઓફ ઈંગ્લેન્ડ સરકારથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે, જ્યાં સુધી બ્રિટિશ કોર્ટમાંથી એવો સ્પષ્ટ આદેશ ન આવે કે આ ખાતા પર કોનો કાનૂની અધિકાર છે, ત્યાં સુધી તેઓ કોઈ પગલું ભરી શકે નહીં.

હાલમાં ન્યૂયોર્ક સ્થિત ફેડરલ રિઝર્વ અને વેનેઝુએલાના અધિકારીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જો આ ડીલ પૂર્ણ થાય છે, તો તે વેનેઝુએલાની આર્થિક અને રાજકીય દિશા બદલવામાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે.