
અમેરિકા દ્વારા ભારતીય એક્સપોર્ટ પર 500% સુધીના ટેરિફ લાદવાની શક્યતા અંગે શેરબજારમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, રોકાણકારો માટે મહત્વનું છે કે, તેઓ એવી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે કે, જેનો બિઝનેસ મુખ્યત્વે સ્થાનિક બજારમાં આધારિત હોય અને જે મોટાભાગે આંતરરાષ્ટ્રીય ટેરિફ જોખમથી સુરક્ષિત હોય.

આ યાદીમાં પ્રથમ ક્રમે રેલ વિકાસ નિગમ લિમિટેડ છે. કંપની રેલવે સાથે જોડાયેલ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરે છે, જેમાં નવી રેલવે લાઇન્સ, ગેજ કન્વર્ઝન, વીજળીકરણ, મેટ્રો સિસ્ટમ, પુલ, વર્કશોપ અને પોર્ટ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્ટેશન મૉડર્નાઇઝેશન, લેવલ ક્રોસિંગ દૂર કરવું, ગ્રીન બિલ્ડિંગ્સ અને ટ્રેનિંગ ફેસિલિટીઝ જેવા ટર્નકી પ્રોજેક્ટ્સ પણ કંપની સંભાળે છે.

નાણાકીય મોરચે Q2 FY26 માં RVNL ની આવક ₹51,230 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા થોડી વધારે હતી. જો કે, કંપનીનો ચોખ્ખો નફો ઘટીને ₹2,065 કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે ઘટાડો દર્શાવે છે. કંપની પાસે હાલમાં ₹900 બિલિયનથી વધુની ઓર્ડર બુક છે. વધુમાં, કંપની કેટલાક હાઈબ્રિડ એ્ન્યુટિ મોડલ (HAM) પ્રોજેક્ટ્સ પર બિડ લગાવી રહી છે, જેના કારણે 20–25 વર્ષ સુધી સ્થિર આવક મળવાની અપેક્ષા છે.

બીજો સ્ટોક ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર સાથે જોડાયેલ ઇકો રિસાયક્લિંગનો છે. આ કંપની ઇ-વેસ્ટ કલેક્શન, ડેટા ડિસ્ટ્રક્શન, રિવર્સ લોજિસ્ટિક્સ, એસેટ રિકવરી અને રિસાયક્લિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે. કંપનીનું ધ્યાન સંપૂર્ણપણે સ્થાનિક બજાર પર છે, જે તેને મોટાભાગે ટેરિફ જોખમથી સુરક્ષિત રાખે છે.

નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં, કંપનીની આવક ₹144 કરોડ હતી, જ્યારે ચોખ્ખો નફો ₹56 કરોડ હતો. કંપનીએ તાજેતરમાં વસઈમાં 6,000 MTPA લિથિયમ-આયન બેટરી રિસાયક્લિંગ સુવિધા શરૂ કરી છે, જેનાથી કુલ ક્ષમતા 31,200 MTPA થઈ છે. આવનારા સમયમાં કંપની મિનરલ રિકવરી ફેસિલિટી શરૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી મહત્વપૂર્ણ ધાતુઓની ઘરેલું ઉપલબ્ધતા વધશે.

ત્રીજું નામ HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ છે, જે EPC અને HAM મોડેલ હેઠળ રોડ, રેલવે અને બીજા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. કંપની પાસે હાલમાં 13 રાજ્યમાં 29 થી વધુ એક્ટિવ પ્રોજેક્ટ્સ છે, જેમાં 07 રેલ અને મેટ્રો પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ₹9,045 કરોડ હતી, જ્યારે ચોખ્ખો નફો ₹523 કરોડ હતો. સપ્ટેમ્બર 2025 ના અંત સુધીમાં કંપનીની ઓર્ડર બુક રૂ. 1.39 લાખ કરોડથી વધુ છે. આ સિવાય ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) જેવા નવા સેગમેન્ટ્સમાં પણ કંપની એક્ટિવ છે.