
આમિર ખાન, શરમન જોશી અને આર. માધવનની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઈડિયટ્સને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ પર આખરે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટતા કરી દીધી છે. તાજેતરમાં મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આઇકોનિક ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ ફરીથી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ આ સમાચારને તદ્દન ખોટા અને તથ્યહીન ગણાવ્યા છે.

વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, 3 ઈડિયટ્સ 4 સપ્ટેમ્બરે ફરી રિલીઝ થઈ રહી હોવાના દાવા ખોટા છે. અમે ફેન્સ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર અમારા સત્તાવાર માધ્યમો પર કરવામાં આવતી જાહેરાતોને જ સાચી માને.

બીજી તરફ, ફિલ્મ થિયેટરમાં રી-રિલીઝ નથી થઈ રહી તેનાથી ફેન્સ થોડા નિરાશ ચોક્કસ થયા છે, પરંતુ તેમના માટે એક મોટા અને ખુશહાલ સમાચાર પણ સામે આવ્યા છે.

ફિલ્મ રી-રિલીઝ નથી થઈ રહી પરંતુ તેના સિક્વલ એટલે કે પાર્ટ-2 પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ખુદ આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ 3 ઈડિયટ્સના બીજા ભાગની પુષ્ટિ કરી દીધી છે અને હાલમાં સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ ચાલી રહ્યું છે.

એક મુલાકાતમાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સંકેત આપ્યો હતો કે પહેલા ભાગની વાર્તા જ્યાં પૂરી થઈ હતી, પાર્ટ-2 ની વાર્તા ત્યાંથી 15 થી 20 વર્ષ આગળની બતાવવામાં આવશે. આ વખતે વાર્તાનો મુખ્ય ફોકસ આ ત્રણેય મિત્રોના અંગત જીવન અને તેમના સંબંધો પર રહેશે.