ત્રણ થયા, છ વિધાનસભા બાકી… દસમી લોકસભાની ચૂંટણી!

અગાઉની સાતમાથી પાંચ વિધાનસભાઓ ભાજપે બહુમતી સાથે જીતી હતી. ઉત્તર પ્રદેશ તેમાં મુખ્ય હતું. યોગી આદિત્યનાથ તેના ભગવા વસ્ત્રો સાથે માફિયા-નાબૂદીની સાથે વિકાસની ઘોષણા કરે છે અને કહે છે કે અમે તો યુપીમાં રામરાજ્ય સ્થાપવાનો દ્રઢ નિર્ણય લીધો છે.

ત્રણ થયા, છ વિધાનસભા બાકી... દસમી લોકસભાની ચૂંટણી!
Follow Us:
| Updated on: Mar 20, 2023 | 4:20 PM

માત્ર બે જ વર્ષમાં એક પછી એક ચૂંટણીઓ અને પછી લોકસભાની સામાન્ય ચૂંટણી. આવી રાજકીય ઘટનાઓ અગાઉ ભાગ્યે જ બની છે. અપવાદરૂપ 1967માં બિન-કોંગ્રેસવાદનો વાયરો અનેક રાજ્યોમાં રાજકીય પરીવર્તન લાવ્યો અને થોડા દિવસ ચાલ્યો ત્યારે અનેક પ્રદેશોની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 2022, 2023 અને 2024 અનેક રીતે અનોખા છે. લોકસભાની ચૂંટણીને ભલે બંધારણીય ભાષામાં “સામાન્ય” કહેવાતી હોય, દરેક પક્ષો અને મતદારો માટે અને આંતરરાષ્ટ્રીય ફલક પીઆર “અસામાન્ય” બની રહેવાની.

એ પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી આવી અને અનેક ક્રિયા-પ્રતિક્રિયા સાથે પૂરી થઈ. હિમાચલ કરતાં ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પક્ષ બંને માટે વ્યૂહરચના માટે ભારે મહત્વની હતી. કોઈ પણ ભોગે સરકાર તો રચવી હતી પણ સામે ભાજપ હતો. નરેન્દ્ર મોદી ગાંધીનગરથી નવી દિલ્હીમાં કેન્દ્રીય સરકારમાં વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત થયા તેને પણ આઠ-નવ વર્ષ થઈ ગયા હતા.

દરમિયાન આનંદી બહેન, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલની સરકારો બની. કોંગ્રેસની મોટી મુશ્કેલી એવી રહી કે પોતાના પક્ષમાંથી જ ઘણા સિનિયર નેતાઓ સામેની સત્તા-છાવણીમાં ચાલ્યા ગયા, કેન્દ્રમાં બેઠેલી વરિષ્ઠ નેતાગીરીએ ઉદાસીનતા દાખવી. તેનું પરિણામ કંગાળ સંખ્યામાં ઉમેદવારોએ જીત મેળવવામાં આવ્યું. હિમાચલ પ્રદેશ પૂરતો સંતોષ માનવો પડ્યો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

હવે વારો પહેલા કર્ણાટકનો છે. મે મહિનામાં ત્યાં ચૂટણી થશે. પછી જુલાઈ ઓગસ્ટમાં રાજ્યસભાની 10 બેઠકો પર સ્પર્ધા થશે. પશ્ચિમ બંગાળ તેમાં મોખરે છે. નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં સરકાર માટે ચૂંટણી યોજાશે.

અગાઉની સાતમાથી પાંચ વિધાનસભાઓ ભાજપે બહુમતી સાથે જીતી હતી. ઉત્તર પ્રદેશ તેમાં મુખ્ય હતું. યોગી આદિત્યનાથ તેના ભગવા વસ્ત્રો સાથે માફિયા-નાબૂદીની સાથે વિકાસની ઘોષણા કરે છે અને કહે છે કે અમે તો યુપીમાં રામરાજ્ય સ્થાપવાનો દ્રઢ નિર્ણય લીધો છે. તેમના બુલડોઝરનો પ્રયોગ વર્ષોથી પેધી પડેલા માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. અધુરામાં પૂરું રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણની પ્રક્રિયા વેગથી ચાલે છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે જ તેનું ધ્વજારોહણ થશે તે પહેલા કાશી વિશ્વનાથ પરિસરની ભવ્યતા સૌને આકર્ષી રહી છે અને યાત્રા માર્ગ તૈયાર થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ ભૂતકાળમાં વડાપ્રધાનોનો રસ્તો પણ બનાવી ચુક્યો છે. જવાહરલાલ નેહરૂ, લાલ બહાદુર શાસ્ત્રી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, અટલબિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેવા નામ છે. જોકે હવે ઉત્તર પ્રદેશમાં જ કોંગ્રેસની દશા-દિશા જોતાં તે પક્ષને માટે કોઈ આશા રહી નથી. નાનકડો સમાજવાદી પક્ષ પણ જાહેરમાં કહેતો થયો કે અમે આ રાજ્યમાં કોંગ્રેસની સાથે અગાઉ જોડાણ કર્યું તેથી હારી ગયા!

કોંગ્રેસને માટે પૂર્વોત્તરમાં કોઈ શુકન ના થયા. પ્રાદેશિક પક્ષો જીત્યા અને ભાજપે શક્તિશાળી ઉમેરો કર્યો. ત્રિપુરામાં તેણે કોંગ્રેસ અને બીજા પક્ષોને હરાવ્યા. ટીપોરા મોઠા પક્ષને નોંધપાત્ર બેઠકો મળી. નાગાલેન્ડમાં હવે વિદ્રોહી પરિસ્થિતી થાળે પાડવામાં અગાઉ કટ્ટર રહેલા સ્થાનિક પક્ષો પણ સમજદારીપૂર્વક વરત્ય તેના શુભ પરિણામ દેખાવા લાગ્યા છે. આજ સુધીની ચૂંટણીમાં પહેલીવાર એક મહિલા ઉમેદવાર પણ જીતી ગઈ.

તેલંગાણા એક રસપ્રદ પ્રદેશ છે. ચંદ્રાબાબુ નાયડુનો એક જમાનો હતો. આજે તે વિપરીત હાલતમાં છે. આંધ્રનું વિભાજન થયું અને તેલંગાણા નવો પ્રદેશ થયો ત્યાં ચંદ્રશેખર રાવ ફાવી ગયા. તેમનો પ્રાદેશિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિને હવે તેમણે રાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે ભારત રાષ્ટ્ર સમિતિ (બી આર એસ)ની રચના કરી છે. દક્ષિણનો કોઈ વડાપ્રધાન હોવો જોઈએ એવી એક રાજકીય માન્યતા છે પણ આ રાજ્યોનો આંતરિક પ્રવાહ એવો છે કે કોઈ સફળ થતું નથી, એક દેવે ગૌડા થોડા સમય માટે આવ્યા, બાકી રાજાજી, કામરાજ, નામ્બુદ્રીપાદ, એન.ડી રામરાવ વગેરેના નામો ચર્ચામાં આવ્યા કર્યા.

રજાજીએ તો સ્વતંત્ર પક્ષ ઊભો કરીને કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે પડકાર આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. 1956માં કેરળમાં સામ્યવાદી સરકાર આવી ત્યારે હરખઘેલું સૂત્ર બોલાતું હતું: નેહરૂ કે બાદ નામ્બુદ્રીપાદ! પણ પરિસ્થિતી તો એવી થઈ કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી મોરચા પાસેથી સત્તા આંચકી લીધી અને ત્રિપુરામાં ભાજપે સરકાર રચી.

આજે એક મુદ્દો એવો ચર્ચાય છે કે જો વિરોધ પક્ષો એક થાય તો કેન્દ્રમાંથી ભાજપ અને નરેન્દ્ર મોદીને હટાવી શકે. ખરેખર તેવું છે? રાજકીય પરિસ્થિતી જોતાં તો આ બધા એક થાય તો પણ બહુમતી લાવી શકે તેમ નથી. કોંગ્રેસ પોતાની નિર્બળતાથી મજબૂર છે પણ એટલી વાસ્તવિક્તા જાણે છે કે જે રીતે ભાજપ એક મજબૂત ગઢમાં ફેરવાઈ રહ્યો છે તેમાં કોઈ ખાસ પરીવર્તન શક્ય નથી. એટ્લે તેણે રસ્તાઓ ઉતરવાનું અને આંદોલનો કરવાનું મુનાસિબ માન્યું છે.

ભ્રષ્ટાચારનો એક મુદ્દો અદાણી વિશેનો છે પણ તેમને કવિ દલપતરામની કવિતા કોઈએ સંભળાવવી જોઈએ “અન્ય નું તો એક વાંકું, આપના અઢાર છે! ભ્રષ્ટ આચાર ક્યા નથી? અન્ના સાહેબના આંદોલનમાંથી પ્રેરણા લઈને બનેલી આમ આદમી પાર્ટીના બે પ્રધાનો આવા આરોપ સાથે જેલમાં છે. બિહારમાં લાલુ પ્રસાદ સામે બીજા આરોપો તેમની જેલને લંબાવશે એવું લાગે છે. નેશનલ હેરાલ્ડના કિસ્સામાં ગાંધી પરિવાર કઠેડામાં છે.

બીજી મોટી વાત એ છે કે આ વિપક્ષોને એકબીજામાં રસ નથી, પોતાને આગળ વધારવામાં આવે, પોતાનો નેતા સૌનો નેતા બને અને (જો જીતે તો) વડાપ્રધાન બને એવી લાલસા દેખાય છે. તેનો અંદાજ આગામી વિધાન સભાની ચૂંટણીમાં આવ્યા વિના રહેશે નહીં.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">