હવે એ દિવસને પણ વાર નથી કે જ્યારે ચકલીનો (Sparow) લુપ્ત પ્રજાતિમાં સમાવેશ થઈ જશે. ત્યારે આશાના કિરણ સમાન ગુજરાતના ધ્રાંગધ્રામાં (Dhangadhra) લાકડાના ફર્નિચરનું કામ કરતા શંભુભાઈએ ચકલીપ્રેમી તરીકેની વિશેષ ઓળખ મેળવી છે. શંભુભાઈને ચકલી જેવા નાના પક્ષીઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે. અત્યાર સુધીમાં તેમણે ચકલીના 31000 માળા (BirdBox) બનાવીને તેનું વિનામૂલ્યે લોકોને વિતરણ કર્યું છે.
આધુનિક સમયમાં શહેરી વિસ્તારના બાળકોને કદાચ ચકલી કોને કહેવાય, તે શું છે એ જ ખબર નહીં હોય. ત્યારે શંભુભાઈએ ખાસ ચકલી માટે શરૂ કરેલું ભગીરથ કાર્ય કોઈ રૂકાવટ વગર સતત ચાલુ રહ્યું છે.
શંભુભાઈએ આ કામની શરૂઆત વર્ષ 2013માં પક્ષીઓ માટે કાર્ડબોર્ડનો માળો બનાવ્યો ત્યારથી થઈ તેમ કહી શકાય. ધીમે-ધીમે બીજા ઘણા પક્ષીઓ પણ તે માળામાં આવવા લાગ્યા. એક દિવસ અચાનક તેમનો માળો તૂટી જતાં માળામાં રહેલા પક્ષીના ઈંડા પણ તૂટી ગયા.
આ નાની ઘટનાથી શંભુભાઈના મન પર ઊંડી અસર પડી અને તેમણે નક્કી કર્યું કે હવેથી તેઓ નાના પક્ષીઓ માટે ખાસ નક્કર માળો બનાવશે, જેમાં બીજા મોટા પક્ષીઓ આવી ન શકે. શંભુભાઈ વ્યવસાયે સુથાર હોવાથી તેમના ઘરમાં વધારાના લાકડાના ટુકડા પડ્યા હતા તેમાંથી તેમણે ચકલી માટે માળા બનાવવાની શરૂઆત કરી.
શંભુભાઈ કહે છે કે, “દરેક માળો બનવવામાં લગભગ 100 થી 150 રૂપિયાનો ખર્ચ થાય છે. હું પક્ષીઓ માટે બને તેટલા પાકાં ઘરો બનાવવા માંગતો હતો, તેથી મેં અન્ય લોકોની પણ મદદ લેવાની શરૂઆત કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હું લોકોને તેમના ઘરમાં રહેલા લાકડાના તૂટેલા ટુકડા, પ્લાસ્ટિકની બોટલ વગેરે વેસ્ટ આપવાનું કહું છું. મારી એક અપીલ અનેક લોકોને અસર કરી ગઈ.”
તેઓ આગળ જણાવે છે કે, ”1 માળો બનાવવાથી શરૂ થયેલી આ સફર 8 વર્ષમાં 31000 માળાઓ સુધી પહોંચી ગઈ છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાંથી પણ ઘણા લોકો મારી પાસેથી ચકલીના માળા મેળવવા માટે ઓર્ડર આપે છે. જેના માટે તેઓએ માત્ર કુરિયરનો ખર્ચ ચૂકવવો પડે છે.”
શંભુભાઈ જેમને માળો આપે છે, તેમને ચોક્કસપણે આ માળાનો ફોટોગ્રાફ મોકલવાનું કહે છે. 31000થી વધુ બર્ડ હાઉસનું વિતરણ કર્યા પછી પણ તેમનું કામ અટક્યું નથી. તેમના જીવનનું લક્ષ્ય વર્ષ 2024 સુધીમાં કુલ 51000 ચકલીના માળાઓનું વિતરણ કરવાનું છે.
શંભુભાઈ તેમના આ કામના કારણે એટલા બધા પ્રખ્યાત થઈ ગયા છે કે, લોકો તેમને પર્યાવરણ દિવસ, જળ દિવસ, પક્ષી દિવસ જેવી ઉજવણીમાં ચોક્કસપણે બોલાવે છે અને શંભુભાઈ તેમના ફેમસ બર્ડ બોક્સ સાથે પહોંચી જાય છે.