બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને (BRO) ગુરુવારે ગ્રેટર હિમાલયન રેન્જમાં સ્થિત ઝોજિલા પાસને ફરીથી ખોલ્યો છે. ઝોજિલા પાસ શ્રીનગર-કારગિલ-લેહ રોડ (NH-1) પર 11,650 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. જે કાશ્મીર ઘાટી અને લદ્દાખ વિસ્તારને જોડે છે. તે જ દિવસે, ગુરેજ સેક્ટર અને કાશ્મીર ખીણની વચ્ચેનો એકમાત્ર રોડ લિંક રાઝદાન પાસ પણ ફરીથી ખોલવામાં આવ્યો છે.
ઝોજિલા પાસ સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર/નવેમ્બરની આસપાસ બંધ થઈ જતો હતો અને લગભગ પાંચથી છ મહિના પછી એપ્રિલ/મે સુધી ફરી ખુલે છે. તાજેતરના વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉત્તરીય સરહદો સાથે કનેક્ટિવિટી વધારવા સાથે શિયાળા દરમિયાન ઝોજિલા પાસ બંધ થવાનો સમય ઘટાડવામાં આવ્યો હતો. BRO એ સુનિશ્ચિત કર્યું કે ઝોજિલા પાસને આ વર્ષે 6 જાન્યુઆરી, 2023 સુધી ટ્રાફિક માટે ખુલ્લો રાખવામાં આવ્યો.
નવેમ્બર 2022ના અંતથી 6 જાન્યુઆરીની વચ્ચે લગભગ 13,500 વાહનોએ પાસ ક્રોસ કર્યો હતો. પાસના વહેલા ઉદઘાટન માટે સોનમર્ગ અને ઝોજિલાના દ્રાસ છેડેથી પ્રોજેક્ટ બીકન અને પ્રોજેક્ટ વિજયક દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તરત જ સ્નો ક્લિયરન્સ ટીમોને એકત્ર કરવામાં આવી હતી. ઝોજિલા પાસ પર પ્રારંભિક કનેક્ટિવિટી 11 માર્ચે સ્થાપિત કરવામાં આવી હતી. વાહનોને સલામત માર્ગ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રસ્તા પહોળા અને સુધારવામાં આવ્યા છે. ગયા વર્ષે 73 દિવસની સરખામણીએ આ વર્ષે પાસ માત્ર 68 દિવસ જ બંધ રહ્યો હતો.
માત્ર 58 દિવસ પછી BROએ ગુરુવારે રાઝદાન પાસ ફરીથી ખોલ્યો. સાધના, ફરકિયાં ગલી અને જમીનદાર ગલીના અન્ય મહત્વના પાસ આ શિયાળાની ઋતુમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલતા ડીજીબીઆર, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રોજેક્ટ બીકન અને પ્રોજેક્ટ વિજયક સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરી હતી. ઝોજિલા અને રાઝદાન પાસ વહેલી તકે ખોલવાથી લદ્દાખ અને ગુરેઝ ખીણના લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠામાં વધારો થશે.