આપણે વર્ષ 2022ને વિદાય આપી વર્ષ 2023માં પ્રવેશ કરવાના છીએ. ત્યારે વિતેલા વર્ષમાં મોદી સરકાર દ્વારા ક્યાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા કઈ મોટી યોજનાઓની અમલવારી કરવામાં આવી તેના વિશે વાત કરીએ તો વિતેલા વર્ષમાં સેનામાં જવા ઈચ્છુક યુવાનો માટે અગ્નિવીર યોજના, સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, 5G સેવાનો પ્રારંભ, નેશનલ લોજિસ્ટીક પોલિસી, પ્રોજેક્ટ ચિત્તા અને પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો સમાવેશ થાય છે.
સશસ્ત્ર દળોની ત્રણ સેવાઓમાં કમિશન્ડ અધિકારીઓની રેન્કથી નીચેના સૈનિકોની ભરતી માટે મંગળવારે 14 જૂન 2022ના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આર્મી, નેવી અને ઍરફોર્સમાં અગ્નિવીર જવાનોની ભરતી કરાશે. આ યોજનાનો આશય સૈન્ય પર વધતુ પગાર અને પેન્શનનું ભારણ ઘટાડવાનો છે તેમજ આકર્ષક પે સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય ગાળા માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે. તમામ ભરતી માત્ર ચાર વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ ભરતી કરાયેલા કર્મચારીઓને અગ્નિવીર કહેવામાં આવશે, જે એક નવો લશ્કરી રેન્ક હશે. પરામર્શ અને જાહેર ચર્ચાના અભાવે શરૂઆતમાં આ યોજનાની ઘણી ટીકા કરવામાં આવી હતી. આ યોજના સપ્ટેમ્બર 2022માં લાગુ કરવામાં આવી હતી.
પીએમ મોદીએ ઓગષ્ટ 2023 સુધીમાં સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશના 75 શહેરોને જોડવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં પાંચ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.હવે રેલવે નવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યુ છે. વડાપ્રધાન મોદીએ 1લી ઓક્ટોબરે સૌપ્રથમ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. રેલવેએ આવતા વર્ષ સુધીમાં કુલ 75 વંદે ભારત ચલાવવાની યોજના તૈયાર કરી છે. કોવિડને કારણે આ યોજનાને સાકાર કરવામાં સમય લાગ્યો. પરંતુ હવે દર મહિને મંત્રાલય આવી જ રીતે બે નવી વંદે ભારત ટ્રેન ચલાવશે. નિર્મલા સીતારણમે પણ આ વર્ષે વંદે ભારત પ્રોજેક્ટને ધ્યાને રાખી બજેટમાં મોટી ફાળવણી કરી હતી. નાણાંમંત્રીએ જણાવ્યુ હતુ કે આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુ સારી કાર્યક્ષમતા સાથએ 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો લાવવામાં આવશે. 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ હશે. વંદે ભારત એક્સપ્રેસ, જે અગાઉ ટ્રેન 18 તરીકે જાણીતી હતી, તે ભારતીય રેલવે દ્વારા સંચાલિત અર્ધ-હાઈ-સ્પીડ ટ્રેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલના ઉના ખાતે ચોથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5Gની ભેંટ આપી છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં શરૂ થયેલા India Mobile Congressમાં પીએમ મોદીએ દેશમાં 5G નેટવર્ક રોલ આઉટ થવાની જાણકારી આપી હતી. પીએમ મોદીએ 1 ઓક્ટોબરે દેશમાં 5G ટેલિફોનિક સેવાઓ શરૂ કરી છે. જે મોબાઈલ ફોન પર અલ્ટ્રા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ યુગની શરૂઆત કરી. વડાપ્રધાને IMC 2022 કોન્ફરન્સમાં પસંદગીના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરી. આગામી બે વર્ષમાં 5G ટેલિફોની સેવા સમગ્ર દેશને આવરી લેશે. અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઈન્ટરનેટને ટેકો આપવા સક્ષમ, પાંચમી પેઢી અથવા 5G સેવાથી નવી આર્થિક તકો અને સામાજિક લાભો પ્રાપ્ત થવાની અપેક્ષા છે.
17 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લોંચ કરી હતી. જે અંતર્ગત એક જ પોર્ટલથી માર્ગ રેલવે પોર્ટથી માલસામાન મોકલી શકાશે. NLPો હેતુ લોજિસ્ટિક્સની કિંમત ઘટાડવા અને તેને અન્ય વિકસીત દેશોની સમકક્ષ બનાવવાનો છે. સમગ્ર લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમ વિકસાવવા માટે એક વ્યાપક આંતરશાખાકીય, ક્રોસ સેક્ટરલ, બહુ-અધિકારક્ષેત્ર માળખુ મૂકીને ખર્ચની બિનકાર્યક્ષમતાને સંબોધવા માટેનો એક વ્યાપક પ્રયાસ છે. આનાથી આર્થિક વિકાસને વેગ મળશે. રોજગારીની તકો મળશે અને ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત વડાપ્રધાન મોદીએ 17 સપ્ટેમ્બરે નામિબિયાથી ખાસ વિમાન મારફતે લવાયેલા ચિત્તાને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા મુક્યા હતા. આ સાથે જ 74 વર્ષ બાદ ભારતમાં ચિત્તાનો પ્રવેશ થયો. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ભારતની ધરતી પર આજે ચિત્તા પાછા આવ્યા છે અને આ ચિત્તાઓના આગમન સાથે જ ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી શક્તિથી જાગૃત થઈ ઉઠી છે. નોંધનીય છે કે વર્ષ 1952માં ભારતમાંથી ચિત્તાઓ લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને દાયકાઓ સુધી તેમના પુનર્વાસ માટે કોઈ સાર્થક પ્રયાસ થયો નહીં. પીએમએ જણાવ્યુ હતુ કે કૂનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તા ફરીથી દોડશે તો અહીંની ગ્રાસલેન્ડ ઈકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે અને બાયોડાયવરસિટી વધશે.
પીએમ નરેન્દ્ર મોદીએ 13 ઓક્ટોબરે આર્થિક ક્ષેત્રો દ્વારા બહુસ્તરીય સંપરક્ માટે પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી છે. જે 16 મંત્રાલયોને જોડનારો એક ડિજિટલ મંચ છે. આ લોન્ચિંગ સમયે પીએમ મોદીએ જણાવ્યુ કે આજે 21મી સદીનું ભારત સરકારી વ્યવસ્થાઓની જૂની વિચારધારાને પાછળ મુકીને આગળ વધી રહ્યુ છે. પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને જોડનારો એક ડિજિટલ મંચ છે. તેમા રેલવે, માર્ગ પરિવહન, આઈટી, ટેક્સ્ટાઈલ, પેટ્રોલિયમ, ઊર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયો સામેલ છે. આ મંત્રાલયોા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા 2024-25 સુધી જે યોજના પુરી કરવાની છે તે તમા ગતિ શક્તિ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવશે.