ભારતના સિવિલ સર્વિસ ઈતિહાસમાં આવું કદાચ પહેલીવાર જ બન્યું છે કે જ્યારે કોઈ મહિલા અધિકારી પુરુષ બન્યા હોય. હૈદરાબાદમાં ફરજ બજાવતા વરિષ્ઠ IRS ( ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ) મહિલા અધિકારી એમ અનુસૂયાએ લિંગ પરિવર્તન કર્યું છે. હવે તે સ્ત્રીમાંથી પુરુષ બની ગયા છે. તેમનું નવું નામ હવે એમ અનુકથિર સૂર્યા હશે અને સરકારે તેમને મંજૂરી પણ આપી દીધી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગઈકાલ 9મી જુલાઈએ કરવામાં આવી હતી. તે હવે તમામ સરકારી રેકોર્ડમાં મહિલા નહીં રહે. ચાલો જાણીએ કે તેમણે ક્યાંથી અભ્યાસ કર્યો છે અને તે કઈ બેચના IRS ઓફિસર છે.
હૈદરાબાદમાં સેન્ટ્રલ કસ્ટમ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં જોઈન્ટ કમિશનર તરીકે પોસ્ટ કરાયેલ મહિલા IRS ઓફિસરે લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નોકરી પર પરત ફર્યા છે. તેમણે સરકારી રેકોર્ડમાં પોતાનું લિંગ બદલવા માટે અરજી કરી હતી. ત્યારબાદ આના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે તમામ રેકોર્ડમાં તેમનું નામ એમ અનુસૂયાના બદલે એમ અનુકથિર સૂર્ય રહશે. 11 વર્ષ સુધી મહિલા અધિકારી તરીકે કામ કર્યા બાદ તેમણે પોતાનું લિંગ બદલ્યું છે.
તેઓ 2013 બેચના IRS ઓફિસર છે. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ, ડિસેમ્બર 2013 થી માર્ચ 2018 સુધી, તેઓ તમિલનાડુ, ચેન્નાઈમાં સહાયક કમિશનર તરીકે પોસ્ટેડ હતા. તે પછી, તેઓ એપ્રિલ 2018 થી ડિસેમ્બર 2023 સુધી તમિલનાડુમાં ડેપ્યુટી કમિશનર હતા. જાન્યુઆરી 2023માં તેમને હૈદરાબાદમાં જોઈન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી તે આ પોસ્ટ પર છે.
તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ચેન્નાઈમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે 2023માં નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી, ભોપાલમાંથી સાયબર લો અને સાયબર ફોરેન્સિક્સમાં પીજી ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેમની ફેસબુક પ્રોફાઈલ મુજબ તેમણે એમઆઈટી, અન્ના યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે. તેઓ મૂળ મદુરાઈના રહેવાસી છે.