Jaishankar at maldives : વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુર છે. તમને જણાવી દઈએ કે જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની ઓફિશિયલ મુલાકાતે અહીં પહોંચ્યા છે.
ચીન તરફી ગણાતા મુઈઝુએ નવેમ્બર 2023માં ટોચના કાર્યાલયનો હવાલો સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જો કે હવે જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, તેઓ માલદીવ પહોંચીને ખુશ છે. એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ વિદેશ મંત્રી મુસા ઝમીરનો આભાર. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર દ્રષ્ટિકોણમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
તેમણે કહ્યું કે, તેઓ નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાતચીતની આશા રાખે છે. જમીરે કહ્યું કે તેઓ માલદીવની ઓફિશિયલ મુલાકાતે જયશંકરનું સ્વાગત કરીને ખુશ છે. તેમણે X પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફળદાયી ચર્ચાની આશા છે.
મુસા જમીરે કહ્યું કે, માલદીવમાં સામુદાયિક સશક્તિકરણ માટે ભારતની પ્રતિબદ્ધતામાં વધુ એક સીમાચિહ્નરૂપ! ડૉ. એસ. જયશંકર સાથે ભારતીય ગ્રાન્ટ સહાય હેઠળ સંયુક્ત રીતે પૂર્ણ થયેલા છ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરતાં ગર્વ અનુભવું છું. આજનું ઉદ્ઘાટન માલદીવમાં સામાજિક-આર્થિક વિકાસને આગળ વધારવા માટે ભારતના સમર્પણને દર્શાવે છે.
Minister of Foreign Affairs of Maldives Moosa Zameer tweets, “Another milestone in India’s commitment to community empowerment in Maldives! Proud to jointly inaugurate with Dr S Jaishankar six High Impact Community Development Projects completed under Indian grant assistance.… pic.twitter.com/HSf5k27fvo
— ANI (@ANI) August 9, 2024
જૂન 2024માં બીજા કાર્યકાળ માટે કાર્યભાર સંભાળ્યા બાદ જયશંકરની માલદીવની આ પ્રથમ ઓફિશિયલ મુલાકાત છે. તેમની છેલ્લી મુલાકાત જાન્યુઆરી 2023માં થઈ હતી. જયશંકરની 11 ઓગસ્ટ સુધીની ત્રણ દિવસીય મુલાકાત તેમના માલદીવ સમકક્ષ મુસા જામીરના આમંત્રણ પર યોજાઈ રહી છે. જયશંકર રાષ્ટ્રપતિ મુઇઝુ સાથે સૌજન્ય મુલાકાત કરશે અને વર્તમાન દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવા ઝમીર સાથે ઓફિશિયલ વાટાઘાટો કરશે તેવી આશા છે.
વિદેશ મંત્રાલયે જયશંકરની મુલાકાત પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે માલદીવ ભારતનો મુખ્ય દરિયાઈ પાડોશી છે અને ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને અમારા ઓશન એપ્રોચ એટલે કે સમગ્ર ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. મંત્રાલયે કહ્યું કે, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને મજબૂત કરવાનો અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના માર્ગો શોધવાનો છે.