ભાજપ માટે તાજેતરમાંજ સંપન્ન થયેલી ચાર રાજ્યની ચૂંટણી વર્ષ 2024ની ચૂંટણી પહેલાનું ટ્રેલર જેવું હતું, લિટમસ ટેસ્ટ એ જગ્યાથી હતો કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત કેન્દ્રની ટોચની નેતાગીરીને કોંગ્રેસે ફેંકેલો પડકાર હતો. જે લોકો રાજકારણમે માત્ર બાહરથી સમજે છે પણ જીતને જોઈને આસાન માની લે છે તે અસ્સલમાં કેટલું કઠીન અને કેટલી સટીક રાજકીય ગણતરીઓ માગે છે તે આ સ્ટોરીમાં અમે સમજાવીશું.
ચૂંટણી પ્રચારના પડઘમ વાગવાથી લઈ શાત થયા અને વિજયનાદનું દંદુભી વાગવા સુધીની સફર ભાજપે એમનેમ નથી કાઢી, આ પાછળ છે જેને પ્રચારથી લઈ સ્ટ્રેટેજીને અંજામ સુધી પોંહચાડવાની જવાબદારી જેને સોંપવામાં આવી હતી તે રાજકારણના ચાણક્ય અને ભાજપા માટે જીતની રાહ બનેલા ગૃહપ્રધાન અમિત શાહ. કોઈ પણ ચેહરાને આગળ ધર્યા વગર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને વિજયના રથ પર સવારી કરાવનારા અમિત શાહની સ્ટ્રેટેજીને વધાવી લેવામાં આવી છે.
આ જીત પાછળ ખાસ સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. ભાજપે રાજ્યની 230 બેઠકો કબજે કરવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. આ યોજના હેઠળ દેશના 4 રાજ્યોમાંથી ભાજપના 230 ધારાસભ્યો મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. યુપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્રના આ ધારાસભ્યોને ભોપાલમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી. ભાજપના ચૂંટણી પ્રભારી સાંસદ ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ શિવ પ્રકાશ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ તેની કમાન સંભાળી હતી.
ગુજરાત સગઠન મહામંત્રી રત્નાકર તથા ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ વાધાણી ને 30-30 એમ કુલ 60 બેઠકોની જવાબદારી 2 મહિના પહેલા જ સોંપાઈ ગઈ હતી કે જે બેઠકો મહદ અંશે આદિવાસી બેલ્ટ પર હતી અને અંતરિયાળ વિસ્તારની હતી સાથે જ તમામ એ બેઠકો હતી જ્યાં ગત ચૂંટણી માં પાર્ટી ને મહત્તમ હારનો સામનો કરવો પડ્યો હતો.
મધ્યપ્રદેશની વિવિધ ગુમાવેલી બેઠકો પર નેતાઓની ફોજ ઉતરી પડી અને તેમણે ભાજપાની કામગીરીથી લઈનેસ્થાનિક સમસ્યાઓને ઝીણવટભેર સમજી અને બે મહિનામાં લોકોની વચ્ચે રહીને જ આદિવાસી વોટનું ધ્રુવિકરણ કરી નાખ્યુ જે કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સાબિત થયું. રાહુલ ગાંધીની જે 21 મત વિસ્તારમાથી ભારત જોડો યાત્રા પસાર થઈ તેમાંથી 17 તેમણે ગુમાવવી પડી તેવા આંકડા સામે આવ્યા છે.
અમિત શાહને રાજકારણના એમનેમ ચાણક્ય નથી કહેવામાં આવતા. તેમણે નબળા બુથને સક્રિય કરવા માટે ભાજપના ભૂતપૂર્વ પ્રધાનોથી લઈ જુનિયર સ્તરના નેતા અને કાર્યકર્તાઓને સક્રિય કરી નાખ્યા કે જે લોકો એ સામાન્ય માણસોનું મગજ અને વિઝન ફેરવી નાખવામાં મહત્વનો રોલ નિભાવ્યો.
અમિત શાહે પ્રચારની ધુરા સંભાળી ત્યારે જ કાર્યકરોને જીતનો પાયો નાખવાનું આહ્વાન કર્યું હતું જે સામે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને અશોક ગેહલોતનું સરકાર તરફેણમાં ચલાવવામાં આવેલું કેમ્પેન જનતાના દિલમાં ઉતરી ના શક્યું. જણાવવું રહ્યું કે ભાજપે નીતિન પટેલને સહપ્રભારી બનાવ્યા હતા અને તેમણે ગુજરાતની સ્ટાઈલથી સ્ટ્રેટેજી બનાવી નાખી.
નીતિન પટેલને જવાબદારી પાછી એવી બેઠકોની આપવામાં આવી હતી કે જ્યાં ભૂતકાળમાં ભાજપને સૌથી વધારે નુક્શાન થયુ હતું, ખાસ કરીને સિરોહી જિલ્લા પર તેમનું ફોકસ વધારે રહ્યું હતું. તેમણે આદિવાસી વોટબેન્કને કબજે લેવા માટે આક્રમર પ્રચાર કેમ્પેન શરૂ કર્યું અને ભાજપે નીતિન પટેલ પર મુકેલા ભરોસા પર તે ખરા ઉતર્યા. રાજસ્થાન માટે બનાવવામાં આવેલી રણનીતિ સફળ નિકળી અને રાજસ્થાનના રણમાં ફરી કમળ ખિલી ઉઠ્યુ છે.
રાજસ્થાનની શ્રીગંગાનગર, કરણપુર, રાયસિંગનગર, હનુમાનગઢ, ભદ્રા, કોલાયત, લુંકરનસર, શ્રીડુંગરગઢ, નોખા, સાદુલપુર, સરદારશહર, સુજાનગઢ, મંડાવા, ઉદયપુરવતી, ધોડ, સિકર, નીમકથા, શ્રીમાધોપુર, ડુડુ, આમેર, જામવરામનગર એવી બેઠકો છે કે જેના પર ભાજપના કેન્દ્રિય નૈતૃત્વે પણ જોરદાર કમર કસી હતી.
ગુજરાતની તર્જ પર રાજસ્થાનમાં પીએમ મોદીએ રોડ શો કર્યા, અમિત શાહે 2024ની ચૂંટણી જીતવા માટે 24 પસંદગીના નેતાઓની એક ટીમ બનાવી હતી, આ ટીમમાં દરેક સભ્યને 1 અથવા 2 રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના 7 વિભાગોમાં કુલ 67 ભાજપના એવા નેતાઓની નિમણૂક કરવામાં આવી કે જે રાજસ્થાનના 7 વિભાગના 50 જિલ્લાઓમાં સંકલનનું કામ જોતરાઈ ગયા હતા. ખાસ વાત એ છે કે નીતિન પટેલ દ્વારા જે સિસ્ટમને સફળ બનાવવા માટે મહેનત કરવામાં આવી તેનું ફળ આગામી સમયમાં તેમને મળી જશે તેવી ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના જ રાજકારણમાં તેમનું કદ વધી જાય તો નવાઈ નહી.
છત્તીસગઢમાં અમિત શાહે ચૂંટણી પ્રચારના ઢંઢેરા સમયે જ મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે મહતારી વંદન યોજનાની જાહેરાત કરી દીધી હતી કે જે હુકમ એક્કો સાબિત થઈ. આ યોજના સરકાર અમલમાં આવે તો લાવવા માટે હતી જે માટે 56 લાખ ફોર્મ પણ ભરાઈ ચુક્યા હતા. આ યોજના હેઠળ દરેક વર્ગની વિવાહિત મહિલાઓને વાર્ષિક 12 હજાર આર્થિક લાભ માટેનો વાયદો કરવામાં આવ્યો હતો.
ટર્નીંગ પોઈન્ટ એ પણ હતો કે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા કે જે પોતે ખેડુત પરિવારથી છે તે ભાજપ સાથે હતા અને તેમણે ખાટલા બેઠકો શરૂ કરી હતી. તેમણે ખેડુતોને વિશ્વાસમાં લીધા હતા કે અત્યારે ખેડુતોને જે 4 હપ્તા બોનસમાં મળે છે તેની જગ્યાએ એક જ વાર આપવામાં આવશે.
આ સિવાય રમણ સિંઘ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ચરણ પાદુકા યોજના કે જે વર્તમાન સરકારે બંધ કરી દીધી હતી અને તે આદિવાસીઓ માટે કામની હતી તેને પણ ફરીથી શરૂ કરવાનું વચન આપ્યું હતું જે સચોટ સાબિત થયુ હતું.
એમ કહી શકાય કે છત્તીસગઢની જીત ભાજપ માટે સરપ્રાઈઝ જેવી જીત છે કે જેની પાછળ મનસુખ માંડવિયાની રણનીતિ અને કોઠાસુઝ કામ કરી ગઈ. તેમનું પણ કદ આગામી સમયમાં દિલ્લીના રાજકારણમાં વધતુ જોવા મળશે.
ટૂંકમાં એમ કહી શકાય કે ભાજપની જીતના આ રસ્તા પર ભાજપના અનેક નેતા અને કાર્યકર્તાઓએ દિવસ રાત એક કર્યા છે પણ આ બધાને એક તાંતણે બાંધીને વિજય પથ પર દોરી જનારા અમિત શાહ છે કે જેના માટે ખુલીને કહેવાઈ રહ્યું છે કે જ્યાં ‘શાહ’ એટલે ભાજપ માટે ‘જીત’ ની રાહ.