Bhutan Rejects E20: ભારતમાં E20 ફ્યુઅલનું ધૂમ વેચાણ, તો પછી ભૂતાને તેને ખરીદવા પર કેમ લગાવી રોક?

ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા ભૂતાનને E20 પેટ્રોલ સપ્લાય કરવાનો પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યો છે. પહાડી રસ્તાઓ પર ઇથેનોલવાળા પેટ્રોલથી વાહનોના એન્જિન અને સ્ટોરેજ સિસ્ટમને થતા નુકસાન અંગે ભૂતાન સરકારે મોટો ખુલાસો કર્યો છે.

Bhutan Rejects E20: ભારતમાં E20 ફ્યુઅલનું ધૂમ વેચાણ, તો પછી ભૂતાને તેને ખરીદવા પર કેમ લગાવી રોક?
| Updated on: Jul 05, 2026 | 4:42 PM

ભારત સરકાર જ્યારે દેશમાં 20 ટકા ઇથેનોલવાળા E20 પેટ્રોલને ફરજિયાત કરવા તરફ આગળ વધી રહી છે, ત્યારે પાડોશી દેશ ભૂતાને ભારતીય ઓઇલ કંપનીઓના આ પેટ્રોલ સપ્લાય કરવાના પ્રસ્તાવને સદંતર ફગાવી દીધો છે. ભૂતાને ભારત સરકારને વિનંતી કરી છે કે જ્યાં સુધી ભારતીય બજારમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ છે, ત્યાં સુધી તેમને માત્ર સાદું પેટ્રોલ જ મોકલવામાં આવે. એક તરફ ભારતમાં E20 પેટ્રોલના કારણે વાહનોની માઇલેજ અને પર્ફોર્મન્સ પર થતી અસરો અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભૂતાને લીધેલા આ ચોંકાવનારા નિર્ણય પાછળ કેટલાક ગંભીર ટેકનિકલ અને ભૌગોલિક કારણો જવાબદાર છે.

પહાડી રસ્તાઓ અને જૂની સિસ્ટમ બની મોટો પડકાર

ભૂતાન સરકારે આ પ્રસ્તાવ નકારવા પાછળ તેની જૂની ફ્યુઅલ સ્ટોરેજ સિસ્ટમ (ઇંધણ સંગ્રહ વ્યવસ્થા) ને મુખ્ય કારણ ગણાવ્યું છે. ભૂતાનનો મોટો ભાગ પહાડી અને ઉબડ-ખાબડ હોવાથી ત્યાં વાહનોને આગળ વધવા માટે એન્જિનના મહત્તમ પાવરની જરૂર પડે છે. અધિકારીઓને ડર છે કે E20 પેટ્રોલ પહાડી રસ્તાઓ પર ગાડીઓને જરૂરી સ્થિર પાવર આપી શકશે નહીં.

કેમ E20 પેટ્રોલ ભૂતાન માટે જોખમી છે?

ભૂતાનના અધિકારીઓના જણાવ્યા મુજબ, ત્યાં પેટ્રોલ સંગ્રહ કરવા માટે જમીનની અંદર બનેલી ટાંકીઓ (અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક) ખૂબ જૂની છે, જેમાં વારંવાર પાણી ભરાઈ જવાની કે ભેજ આવવાની શક્યતા રહે છે. સામાન્ય પેટ્રોલ પાણીને સરળતાથી સોષતું નથી, પરંતુ E20 પેટ્રોલમાં ઇથેનોલ (હાઇડ્રોક્સિલ ગ્રુપ) હોવાના કારણે તે વાતાવરણમાંથી ખૂબ જ ઝડપથી ભેજ અને પાણીને પોતાની તરફ ખેંચી લે છે.

જો E20 પેટ્રોલમાં પાણી ભળી જાય, તો ઇંધણ પાતળું થઈ જાય છે અને પાણીને પેટ્રોલથી અલગ કરવું અશક્ય બને છે. આના કારણે સ્ટોરેજ ટાંકીઓ અને પાઇપલાઇનમાં ઝડપથી કાટ લાગવા માંડે છે. લાંબા ગાળે આ દૂષિત ઇંધણ વાહનોના એન્જિનને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે. ભૂતાનના મોટાભાગના ડેપો વધુ ભેજવાળા પહાડી વિસ્તારોમાં હોવાથી ત્યાં ટાંકીઓમાં ભેજ જતો રોકવો એ એક બહુ મોટો પડકાર છે.

ભારતમાં E20 પર વિવાદ અને આગામી ટેકનોલોજી

ભારતમાં પણ 2023 પહેલાં બનેલા વાહનોના માલિકો E20 પેટ્રોલના કારણે માઇલેજ ઘટવા અને એન્જિનના મેઇન્ટેનન્સનો ખર્ચ વધવાની ફરિયાદો કરી રહ્યા છે. જો કે, સરકારનું કહેવું છે કે માઇલેજમાં થોડો ઘટાડો થાય છે પરંતુ એન્જિનનું પિકઅપ સારું રહે છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ નીતિને એક પ્રયોગ ગણાવવા બદલ વિવાદ પણ થયો હતો. આ દરમિયાન અહેવાલો છે કે ભારતે હવે વાહનોમાં 25 ટકા ઇથેનોલવાળા E25 પેટ્રોલનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે.

ભૂતાનની ભારત પાસે અનોખી માંગ

ભૂતાન પોતાનું તમામ ઇંધણ ભારતની ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) પાસેથી જ ખરીદે છે. ભૂતાને ભારતીય કંપનીઓને વિનંતી કરી છે કે જો ભવિષ્યમાં ભારતમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવે, તો તેની આગોતરી જાણ કરવામાં આવે. સાથે જ તેમણે ભારત પાસે એન્ટી-લીકેજ (લીકેજ-રોધક) ફ્યુઅલ ટેન્ક આપવાની પણ માંગ કરી છે. ભૂતાનનો આ કિસ્સો સાબિત કરે છે કે દરેક ભૌગોલિક સ્થિતિ માટે એક જ પ્રકારનું ઇંધણ યોગ્ય હોઈ શકે નહીં.

ભારતે શું પ્રતિક્રિયા આપી ?

જેમ જેમ આ સમાચાર ફેલાઈ રહ્યા છે, બરાબર તે જ સમયે ફેક્ટ ચેક કરી ભારત પેટ્રોલિયમના ટ્વિટર એટલે કે એક્સ પ્લેટફોર્મ પર તેને ખોટા ગણાવવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે જ પોસ્ટ પર The Bhutanese નામના પ્રોફાઈલ દ્વારા કોમેન્ટ કરીને તેને ખોટી ગણાવવામાં આવી રહી છે અને એક ફોટો શેર કરીને ઓફિશિયલ લેટર શેર કરવામાં આવ્યો છે કે તેઓ ભારતથી E20 ફ્યુઅલની ખરીદી કરવાના નથી.

પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત

Follow Us