Cloud burst video: હિમાચલ પ્રદેશના સોલનમાં વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. જ્યારે, અન્ય 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે સોલનના ધાયવાલા ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવાના કારણે એક ગૌશાળા પણ તણાઈ ગઈ હતી. ઘટના બાદ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 14 ઓગસ્ટે યોજાનારી તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. ચાલો જાણીએ કે વાદળ ફાટવાની ઘટના કેમ અને કેવી રીતે થાય છે.
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અગાઉ, 26 જુલાઈ, 2023 ના રોજ, હિમાચલ પ્રદેશના રામપુર વિસ્તારમાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં એક પ્રાથમિક સરકારી શાળા સહિત કુલ 6 મકાનો ધરાશાયી થયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ 17 જુલાઈના રોજ કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે એકનું મોત થયું હતું અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાખંડમાં પણ 22 જુલાઈ 2023ના રોજ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે માર્ગ તૂટવાને કારણે લગભગ 200 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.
ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવા એ ટૂંકા સમયમાં વ્યાપક માત્રામાં પડતા વરસાદની ઘટના છે. આમાં, થોડાક જ સમયમાં, એક વિસ્તારમાં એટલોબધો અને ભારે વરસાદ થાય છે કે તેનાથી ઘોડા પૂર આવે છે. પૂરમાં ઘરો અને વૃક્ષો તણાઈ જાય છે. આ ઘટનામાં લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ વરસે છે. ક્યારેક કરા પણ પડે છે અને ભારે પવન પણ ફુંકાય છે.
નિષ્ણાતોના મતે, જ્યારે વાદળોમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે અને તેમની સ્થિતિમાં અવરોધ આવે છે, ત્યારે ભેજના પ્રમાણનું ઘનીકરણ વધુ થાય છે. જે વિસ્તારમાં આ ઘટના બને છે ત્યાં લાખો લીટર પાણી એક સાથે ધરતી પર પડે છે. જેના કારણે પૂર આવે છે. જેને વાદળ ફાટવાની ઘટના કહેવાય છે.
6 ઓગસ્ટ, 2010 ના રોજ, લદ્દાખના લેહ શહેરમાં વાદળ ફાટવાની ઘણી ઘટનાઓ બની હતી, જેમાં જૂનું શહેર લગભગ નાશ પામ્યું હતું. તો ઉત્તરાખંડના કેદારનાથમાં 2013માં વાદળ ફાટવાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી, જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ વર્ષે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બની છે.