અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, મંગળવારે કાબુલથી ભારતમાં લાવવામાં આવેલા 78 નાગરિકોમાંથી 16 નાગરિકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમાં એ 3 શીખનો સમાવેશ થાય છે કે જેઓ અફઘાનિસ્તાનના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબ ભારત લાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતા.
જો કે કોરોના સંક્રમણગ્રસ્ત કોઈપણ દર્દીઓમાં કોઈપણ પ્રકારના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. કાબુલથી ભારત લાવવામાં આવ્યા બાદ, તમામના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 16 લોકો કોરોના સંક્રમણગ્રસ્ત હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યુ હતુ. ગત 15 ઓગસ્ટના રોજ તાલિબાન લડવૈયાઓએ કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારબાદ 16 ઓગસ્ટથી ત્યાં ફસાયેલા ભારતીય લોકોને બહાર કાઢવાનું કામ કેન્દ્ર સરકારના પ્રયાસથી ભારતીય વાયુદળ ચાલાવી રહ્યું છે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ શું કહ્યું?
અગાઉ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી લોકોને સુરક્ષિત લાવવાના અભિયાન અંગે રાજનીતિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત હંમેશા પિડાનો ભોગ બનતી લઘુમતીઓને મદદ કરશે.
તેમણે કહ્યું કે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કબજો કર્યા બાદ 626 લોકોને ભારતમાં લાવવામાં આવ્યા છે, જેમાં 228 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતમાં લાવવામાં આવેલા લોકોમાં 77 અફઘાન શીખોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે શીખ સમુદાયના લોકોએ આ મુશ્કેલ સમયમાં તેમને આશ્રય આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
હરદીપસિહ પુરીએ કહ્યું કે ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ પવિત્ર ગ્રંથ અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યા હતા. આ પોતાના માટે યાદગાર અને ભાવનાત્મક અનુભવ રહ્યો હતો. ગુરૂ ગ્રંથ સાહિબની ત્રણ નકલો ન્યૂ મહાવીર નગરમાં ગુરુ અરજણ દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવશે. પુરીએ ટ્વિટ કર્યું હતું, “મને કાબુલથી દિલ્હી પહોંચેલા ગુરુ ગ્રંથ સાહિબ જીના ત્રણ ‘સ્વરૂપો’ ની સેવા કરવાનો લહાવો મળ્યો છે.”
તાલિબાને મંગળવારે ચેતવણી આપી હતી કે અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી લોકોને લઈ જવાની કામગીરી બંધ કરવી જોઈએ. આ પહેલા પણ, તાલિબાનના દોહા સ્થિત પ્રવક્તા સુહેલ શાહીને એક મુલાકાતમાં કહ્યું હતું કે 31 ઓગસ્ટ એક ‘સમય રેખા’ છે અને યુએસ સૈનિકોની હાજરી માટે સમય મર્યાદા વધારવી એ ઉશ્કેરણીજનક હશે. તેમણે કહ્યું હતું કે સમયમર્યાદા વધારવી કે નહી તેનો નિર્ણય તાલિબાનનુ ટોચનુ નેતૃત્વ કરશે.