
દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. રવિવારે દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે 480 ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં શીત લહેર ચાલી રહી છે, જ્યાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સતત ચોથા દિવસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના સ્થળો કરતા ઓછું રહ્યું હતું. દરમિયાન આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામની અનુસાર 10 જાન્યુઆરી પછી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે.
તેમણે કહ્યું કે, 10 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ઠંડીનું રેડ એલર્ટ, રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે લગભગ 335 ટ્રેનો મોડી ચાલી રહી હતી, 88 રદ કરવામાં આવી હતી, 31 ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ સંબંધિત અપડેટ માહિતી માટે મુસાફરોને સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભટિંડા અને આગ્રામાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય મીટર અને પટિયાલા, ચંદીગઢ, હિસાર, અલવર, પિલાની, ગંગાનગર, લખનૌ અને કૂચ બિહારમાં 25 મીટર થઈ ગઈ છે. અમૃતસર, લુધિયાણા, અંબાલા, ભિવાની, પાલમ (દિલ્હી), ફુરસતગંજ, વારાણસી, મેરઠ, ગયા અને ધુબરીમાં વિઝિબિલિટી 50 મીટર હતી.
હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, જ્યારે વિઝિબિલિટી શૂન્યથી 50 મીટરની વચ્ચે રહે છે, તે સમયે ખૂબ ગાઢ ધુમ્મસ હોય છે. 51 અને 200 મીટરની વચ્ચે દૃશ્યતાની સ્થિતિમાં ગાઢ ધુમ્મસ, 201 અને 500 મીટરની વચ્ચે મધ્યમ ધુમ્મસ અને 501 અને 1,000 મીટરની વચ્ચે દૃશ્યતાની સ્થિતિમાં હળવા ધુમ્મસ છે.
દિલ્હીમાં રવિવારે સવારે તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય વેધર સ્ટેશન સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે. દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાચ્છાદિત પર્વતો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોધી રોડ, આયાનગર, રિજ અને જાફરપુર હવામાન મથકોએ અનુક્રમે લઘુત્તમ તાપમાન 2.8°C, 2.6°C, 2.2°C અને 2.8°C નોંધાયું હતું.
(ઈનપુટ – ભાષા)
Published On - 8:02 pm, Sun, 8 January 23