બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી

પશ્ચિમ બંગાળ દિવસ નિમિત્તે પીએમ મોદીએ રાજ્યના વિકાસ અને નવી તાજગી અંગે સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે બંગાળ જૂના બંધનોમાંથી મુક્ત થઈ રહ્યું છે અને ગૌરવ પાછું આવી રહ્યું છે.

બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી
| Updated on: Jun 20, 2026 | 6:32 PM

પશ્ચિમ બંગાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસ અને બદલાતી પરિસ્થિતિઓ અંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે બંગાળની હવામાં નવી તાજગી અનુભવાઈ રહી છે અને રાજ્યના દરેક ખૂણામાં વિકાસ અને આત્મવિશ્વાસની નવી સુગંધ પ્રસરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે બંગાળ હવે જૂના બંધનોથી મુક્ત થઈ રહ્યું છે અને તેનું ખોવાયેલું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજનો કાર્યક્રમ અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ એ વાતનો પુરાવો છે કે પશ્ચિમ બંગાળ હવે પોતાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આગળ વધી રહ્યું છે.

તેમણે રાજ્યના લોકોના ચહેરા પર દેખાતી ખુશી અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતા જણાવ્યું કે એક મત અને એક ચૂંટણી કેટલો મોટો પરિવર્તન લાવી શકે છે તેનું સ્પષ્ટ ઉદાહરણ આજે બંગાળમાં જોવા મળી રહ્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાને તારકેશ્વરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)ના 23મા હપ્તાની જાહેરાત, પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)નો પ્રારંભ, હાવડા જિલ્લાના સંકરેલ-સંત્રાગાચી લિંક લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ, 300 બેડની નવી ડિવિઝનલ રેલવે હોસ્પિટલનો શિલાન્યાસ અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં રોડ ઓવરબ્રિજના નિર્માણની શરૂઆતનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન બંગાળના ઐતિહાસિક સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે દેશના ભાગલા દરમિયાન સમગ્ર બંગાળને પાકિસ્તાનમાં ભેળવી દેવાના પ્રયાસો થયા હતા, પરંતુ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને અનેક રાષ્ટ્રવાદી નેતાઓના પ્રયત્નોથી પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ બની રહ્યો.

તેમણે કહ્યું કે તે સમયની સ્વદેશ ચળવળે બંગાળના લોકોનો દબાયેલો અવાજ ફરી જીવંત કર્યો હતો અને ભારત વિરોધી તાકાતોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે બંગાળને ભારતથી અલગ કરવું શક્ય નથી.

વડાપ્રધાને આક્ષેપ કર્યો કે સ્વતંત્રતા પછી કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને બાદમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારોએ પશ્ચિમ બંગાળના વિકાસને જરૂરી પ્રાથમિકતા આપી નહીં. તેમના મતે, રાજ્યમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને તુષ્ટિકરણની રાજનીતિને કારણે વિકાસની ગતિ ધીમી પડી હતી.

તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે બંગાળ દેશના ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર હતું, પરંતુ વર્ષો સુધીના કુશાસનના કારણે અનેક ઉદ્યોગો રાજ્ય છોડીને ગયા અને રોજગારીની તકો ઘટી ગઈ. હવે રાજ્યમાં ફરી ઔદ્યોગિક રોકાણનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.

પીએમ મોદીએ દાવો કર્યો કે નવી સરકારના પ્રયાસોથી સરહદ સુરક્ષા માટે જરૂરી કામો આગળ વધી રહ્યા છે, જ્યારે ભ્રષ્ટાચાર અને ‘કાટમાની’ જેવી પ્રથાઓ પર પણ નિયંત્રણ લાવવામાં સફળતા મળી છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે અને રાજ્ય ફરીથી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે હવે બંગાળ અટકશે નહીં, પરંતુ નવો ઇતિહાસ રચશે.

ભાષણના અંતે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા લોકોને યોગ અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું. તેમણે આશા વ્યક્ત કરી કે બંગાળના દરેક ખૂણામાં યોગ દિવસની ઉજવણી થશે અને રાજ્ય સમગ્ર વિશ્વને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપશે.

PM મોદીની વિદેશ નીતિ સફળ રહી… બ્રિટન સાથે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે

Follow Us