કેન્દ્ર સરકારે મંગળવારે ગણતંત્ર દિવસની (Republic Day) પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. તેમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. પરંતુ હવે બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ પદ્મ ભૂષણ એવોર્ડ સ્વીકારશે નહીં. તેણે કહ્યું કે, મને પદ્મ ભૂષણ એવોર્ડ વિશે કંઈ ખબર નથી. આ વિશે મને કોઈએ કંઈ કહ્યું નથી. જો કોઈએ મને એવોર્ડ આપ્યો હોય તો હું તેને પાછો આપીશ. જણાવી દઈએ કે બુદ્ધવ ભટ્ટાચાર્ય CPIMના પોલિટબ્યુરોના સભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યાર સુધી સીપીએમ અને સીપીઆઈના કોઈ નેતાએ આવો એવોર્ડ લીધો નથી. પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુને પણ ભારત રત્ન આપવાની વાત થઈ હતી, પરંતુ તેમણે પણ ના પાડી દીધી હતી.
સાથે જ સરકારી સૂત્રો તેમના આ પગલાને રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક સરકારી સૂત્રએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના એક અધિકારીએ વહેલી સવારે તેમના પરિવારને પદ્મ ભૂષણ એવોર્ડ વિશે જાણ કરી હતી. તે દરમિયાન તેની પત્ની અધિકારીને મળી હતી. પરિવારે એવોર્ડ નકારવા અંગે કેન્દ્ર સરકારને કોઈ માહિતી આપી ન હતી. સાંજે જ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ કદાચ રાજકીય સ્ટંટ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પદ્મ પુરસ્કાર માટે 128 લોકોના નામ પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાંથી, બુદ્ધદેવ ભટ્ટાચાર્યને પદ્મ ભૂષણ માટે, વિક્ટર બેનર્જીને પદ્મ ભૂષણ માટે, પ્રહલાદ રાય અગ્રવાલને પદ્મશ્રી માટે, સંઘમિત્રા બંદોપાધ્યાયને પદ્મશ્રી માટે, કાઝી સિંહને પદ્મશ્રી માટે અને કાલીપાદ સોરેનને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ, પૂર્વ ગૃહ સચિવ રાજ રાજીવ મહર્ષિને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ સામેલ છે.
આ પણ વાંચો : Padma Awards: દેવેન્દ્ર ઝાંઝરિયાને મળશે પદ્મ ભૂષણ અને નીરજ ચોપરાને પદ્મશ્રી મળશે, સંપૂર્ણ યાદી અહીં જુઓ