પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં (Birbhum Violence Case) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (CM Mamata Banerjee) આદેશ બાદ હિંસાના મુખ્ય આરોપી અનારુલ હુસૈનની (Anarul Hussain) ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અનારુલની તારાપીઠથી ધરપકડ કરવામાં આવી છે. અનારુલ કોંગ્રેસ પાર્ટી છોડીને 1998માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ બાબતે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, અનારુલની શોધ પહેલાથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૂચના આપી હતી. બીરભૂમના ટીએમસી નેતાઓએ અનારુલ અંગે સીએમ મમતા બેનર્જીને ફરિયાદ કરી હતી, જે બાદ સીએમ મમતા બેનર્જીના નિર્દેશ બાદ 24 કલાકની અંદર અનારુલની ધરપકડ કરવામાં આવી હતી.
સીએમની સૂચના બાદ તે ઘરેથી ભાગી ગયો હતો, પોલીસે તેની તારાપીઠમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અનારુલ હુસૈને પોતાને નિર્દોષ કહ્યુ છે. તેમણે કહ્યું કે ઘટનાના દિવસે ભાદુ શેખની હત્યા બાદ તે રાતભર હોસ્પિટલમાં તેની સાથે હતો. તેમને આગજનીની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં, ઘટના બાદથી, ગામલોકોએ અનારુલ હુસૈનને ગામમાં આગની ઘટના માટે જવાબદાર ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે અનારુલના નેતૃત્વમાં લોકોએ ગામના ઘરોમાં આગ લગાવી હતી.
ઘટનાસ્થળે આવી રહેલી પોલીસ ટીમને પણ અનારુલે રસ્તામાં રોકી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ અંગે મુખ્યમંત્રીને જાણ કરી જેના પછી અનારુલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
કલકત્તા હાઈકોર્ટે આ ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું અને ગુરુવારે 24 કલાક દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ હિંસા પ્રભાવિત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સત્ય બધાની સામે આવવું જોઈએ.
આ સાથે રાજ્ય સરકારને સાક્ષીઓને સુરક્ષા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય જ્યાં આ હિંસા આચરવામાં આવી હતી ત્યાં કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ ન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ માટે કેમેરા લગાવવા આવે.
આ પણ વાંચો : બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો