કાશ્મીરના (Kashmir) મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. તે જ સમયે, પ્રવાસન સ્થળો ગુલમર્ગ અને પહેલગામમાં હિમવર્ષા થઈ છે. અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાત કરતાં અડધો ડિગ્રી ઓછું છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને 22-23 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. મહિનાના અંત સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. વધુ વરસાદ કે હિમવર્ષાની કોઈ આગાહી નથી.
હાલમાં કાશ્મીરમાં 40 દિવસની ‘ચિલ્લાઇ-કલાં’ ચાલી રહી છે જે ગયા મહિને 21 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. ‘ચિલ્લાઇ-કલાં’ દરમિયાન, પ્રદેશમાં ભારે ઠંડીનો અનુભવ થાય છે અને તાપમાનનો પારો નોંધપાત્ર રીતે નીચે જાય છે અને દાલ સરોવર સહિત ઘણા જળાશયો થીજી જાય છે.
પશ્ચિમી વિક્ષેપ હિમાચલ પ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરાખંડના પૂર્વીય ભાગો પર રહે છે. ઉત્તર પાકિસ્તાન અને આજુબાજુના વિસ્તારોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન, પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ હતી. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો અને આસામ અને સિક્કિમના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ થયો છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે.
આગામી 24 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ ઠંડી વધવાની આશંકા છે.
ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે કચ્છમાં આગામી 21 અને 22 જાન્યુઆરી વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. તાપમાનમાં 3 ડીગ્રી જેટલો વધારો થતા ઠંડીનું જોર ઘટશે. જોકે પવન રહેવાને કારણે થોડી ઠંડી અનુભવાશે. એક સપ્તાહ બાદ ઠંડીમાં ઘટાડો થશે.
આ પણ વાંચો : Uttar Pradesh Election: અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે
આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ