
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હ્યુઆવેઇ સેટેલાઇટ ફોન’ની પ્રવૃત્તિને ટ્રેક કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ , NIA ટીમ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હુઆવેઇ સેટેલાઇટ ફોન’ની પ્રવૃત્તિને ટ્રેક કરીને તેના પર ધ્યાન દોર્યું છે.
મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, હુમલા દરમિયાન આ ફોન ઘટનાસ્થળ પર હતો. વાસ્તવમાં, Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ પ્રોડક્ટને ભારતમાં બેન કરવામાં આવ્યા છે. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફોન પાકિસ્તાન અથવા અન્ય વિદેશી સ્ત્રોતથી ગુપ્ત રીતે ભારતમાં લાવવામાં આવ્યો હતો.
સૂત્રોનું મુજબ જાણવા મળ્યું છે કે, હુમલો કરનારા આતંકવાદીઓનો ચાર વખત સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે હુમલો કરનાર ડ્રોનનો ઉપયોગ કરી શક્યો નહીં. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે, હુમલા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકો એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા તેમના હેન્ડલર્સ સાથે ચેટ કરી રહ્યા હતા અને ફોન કરી રહ્યા હતા.
NIA એ પહલગામ આતંકવાદી હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, NIAના પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ એક ટીમે જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી છે.
અધિકારીઓએ એ જણાવ્યું હતું કે, તેમની ટીમો આતંકવાદીઓ વિશેની કડી મેળવવા માટે સ્થળની એન્ટ્રી અને એક્ઝિટની સઘન તપાસ કરી રહી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી આ ટીમ સમગ્ર વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા ભેગા કરી રહી છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.