ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક શોકિંગ વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયો જોઇને ફરીથી પોલીસ કર્મીઓ પર અને તેમની ગુંડાગર્દી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ઝારખંડમાં પોલીસ કર્મીઓએ ભારતના ગર્વ એવા એક આર્મી જવાનને માર માર્યો છે. પોતાની વર્દીના ઘમંડમાં ચક્નાચૂર આ પોલીસ કર્મીઓએ જે રીતે આ જવાનોને માર માર્યો છે તેને જોઇને કોઇને પણ ગુસ્સો આવી જાય. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો વાયરલ થતા જ લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ફૂટવા લાગ્યો છે. ત્યારબાદ ચતરા પોલીસના અધીક્ષક એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરતા પાંચ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 2 અન્ય અધિકારીઓની સાથે અન્ય 3 પોલીસ કર્મીઓને નિલંબિત કરી દીધા છે. આર્મી જવાનને માર મારવાની ઘટનામાં એસપી રાકેશ રંજને ઝડપથી કાર્યવાહી કરીને 3 આરોપીઓને તાત્કાલિક ફરજ પરથી નિલંબિત કર્યા છે.
માસ્ક ચેકિંગ દરમિયાન બની ઘટના
ચતરામાં માસ્ક ચેકિંગ અભિયાન દરમિયાન આ પોલીસ કર્મીઓએ ગુંડાગીરી કરી. બાઇક પર સવાર સેનાના જવાન પવન કુમાર યાદવને તેમણે ખરાબ રીતે માર માર્યો છે. મયૂરહંડ પોલીસ ક્ષેત્રના કરમા બજારમાં આ ઘટના ઘટી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પવન કુમાર યાદવ નામના સેના જવાનને ચતરાના કરમા બજાર વિસ્તારમાં પોલીસ કર્મીઓના ઝૂંડે માર માર્યો. તેમને લાત મારવામાં આવે છે તેમને તમાચા પણ મારવામાં આવે છે.
નજીકમાં જ સ્થિત આરા-ભુસાહી ગામના નિવાસી પવન કુમાર યાદવ પોતાની બાઇક પર અહીં પહોંચ્યા. તેમને પોલીસ કર્મીઓએ રોક્યા અને તેમના બાઇકની ચાવી એક પોલીસ કોન્સ્ટેબલ સંજય બહાદુર રાણાએ કાઢી લીધી. તેમના દ્વારા બાઇકની ચાવી કાઢી લેવાતા પવન કુમારે તેમનો વિરોધ કર્યો. બસ આ બાદ પોલીસ કર્મીઓએ તેમને મારવાનું શરૂ કરી દીધુ. મારપીટ કરનાર કેટલાક પોલીસ કર્મીઓએ પોતે જ માસ્ક પહેર્યુ ન હતુ જે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.
વીડિયો વાયરલ થયો
પોલીસના આ અમાનવીય વર્તણૂંકનો વીડિયો વાયરલ થઇ ગયો છે. ગ્રામીણોના વિરોધ બાદ આ કર્મીઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા. પોલીસ પર આ જવાનને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીડીઓ સાકેત સિન્હાની ઉપસ્થિતીમાં આ જવાનને માર મારવામાં આવ્યો છે. ઘટનામાં એસપી રાકેશ રંજને સંજ્ઞાન લિધો અને ડીએસપી મુખ્યકાર્યાલય કેદાર રામને તપાસના આદેશ આપી દીધા છે.