પાકિસ્તાનથી (Pakistan) ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે. આ વાતની જાણ થતા જ પોલીસે તેના સમગ્ર પરિવારની કુંડળી કાઢવાનું શરૂ કર્યું છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે સીમાનો ભાઈ ખરેખર પાકિસ્તાન આર્મીમાં છે કે કેમ? જો એવું હોય તો, તે કઈ પોસ્ટ પર અને ક્યારથી તેમજ હાલમાં તેનું પોસ્ટીંગ ક્યા વિસ્તારમાં છે?
હાલમાં પોલીસ એવા લોકોને પણ શોધી રહી છે જેમણે પાકિસ્તાનથી નેપાળ અને પછી ભારત આવવામાં સીમાની મદદ કરી છે. જાસૂસીના પુરાવા ન મળતા કોર્ટે સીમાને જામીન આપ્યા છે, પરંતુ પોલીસ તપાસ ચાલુ છે. કોર્ટે આપેલા શરતી જામીનના આધારે સીમા ગ્રેટર નોઈડાના હાલના સરનામાંથી બીજે ક્યાંય જઈ શકતી નથી અને જો તેણે ક્યાંય જવું હોય તો કોર્ટની મંજૂરી લેવી પડશે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તપાસ ટીમ ટૂંક સમયમાં ગોરખપુર જવા રવાના થઈ શકે છે કારણ કે ત્યાંથી નેપાળ બોર્ડર નજીક છે. પોલીસ ત્યાં જઈને એ જાણવાનો પ્રયાસ કરશે કે સીમા હૈદર કોઈ એજન્ટ મારફતે ભારતમાં પ્રવેશ કર્યો છે કે પછી હૈદર પોતે જ નેપાળથી ભારત પહોંચી હતી.
પોલીસની ટીમ તે રૂટની પણ તપાસ કરશે જે રસ્તે સીમા હૈદરે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. સીમા જે બસ દ્વારા ગ્રેટર નોઈડા પહોંચી હતી તેના સ્ટાફના નિવેદન પણ નોંધવામાં આવશે. સીમા લગભગ એક મહિનાથી ગ્રેટર નોઈડામાં રહેતી હતી. સીમા વિશે પોલીસને જાણ થતાં જ પોલીસે 4 જુલાઈએ તેની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી હતી.
સીમા પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી હોવાનું કહેવાય છે. તેના પતિનું નામ ગુલામ હૈદર છે જે હાલમાં સાઉદી અરેબિયામાં છે. ગુલામ અને સીમાના લગ્ન 2014માં થયા હતા. તેઓને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે, સીમા મોબાઈલ પર ગેમ રમતી વખતે સોશિયલ મીડિયા દ્વારા નોઈડાના રહેવાસી સચિનના સંપર્કમાં આવી અને ધીરે ધીરે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો અને મળવાનો પ્લાન બનાવ્યો હતો.
આ પણ વાંચો : West Bengal Violence: TMCના ઉમેદવાર પાસે મળ્યો વિસ્ફોટકોનો મોટો જથ્થો, NIAએ કરી ધરપકડ
બંને વચ્ચે પહેલી મુલાકાત માર્ચ 2023માં નેપાળમાં થઈ હતી. બંને ઘણા દિવસો સુધી હોટલમાં સાથે રહ્યા. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સીમા નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કરતી વખતે સચિન સુધી પહોંચી હતી.