
અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના પેલેટાઇનમાં આવેલા એક હિન્દુ મંદિરને નિશાન બનાવી સામૂહિક ગોળીબાર (માસ શૂટિંગ) કરવાના કથિત કાવતરા પર ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નફરતભરી વિચારસરણી સામે અવાજ ઉઠાવતાં સમાજમાં સૌને સાથે લઈને ચાલવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે.
સદ્ગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંભવિત હુમલાના અહેવાલોનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, “જ્યારે કોઈ યુવાનનું જીવન નફરતથી એટલું ઝેરી બની જાય કે તે પોતાની જાતથી અલગ લાગતા લોકોને મારી નાખવાની યોજના ઘડે, ત્યારે તે આગામી પેઢીના યોગ્ય લાલન-પાલન અને ઉછેરમાં આપણી સામૂહિક નિષ્ફળતા દર્શાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આપણે સૌને સમાવી લેવાની ભાવના કેળવીએ અને માનવતાવાદી વિચારસરણીનો વિસ્તાર કરીએ તે અત્યંત જરૂરી છે. સમયસર પગલાં ભરીને આ સંભવિત હુમલો અટકાવવા બદલ અમે સુરક્ષાકર્મીઓના આભારી છીએ.”
સદ્ગુરુએ સમાચાર એજન્સીના એક અહેવાલ શેર કર્યો હતો, જેમાં ઘટનાની વિગતો સામે આવી છે. ઇલિનોઇસના પેલેટાઇન પોલીસ વિભાગે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબાર કરવાની ધમકીઓની તપાસ બાદ એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ નામના 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
ગત 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક નાગરિક તરફથી માહિતી મળી હતી કે તેને આરોપી એલેક્ઝાન્ડ્રોસ તરફથી ચિંતાજનક ઇલેક્ટ્રોનિક સંદેશાઓ મળ્યા છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, પાપોરાકિસે એક દસ્તાવેજ શેર કર્યો હતો જેમાં હિન્દુ મંદિરમાં માસ શૂટિંગ કરવાની વિસ્તૃત યોજના વર્ણવવામાં આવી હતી. તેણે રાઇફલ, રાઇફલ મેગેઝિન, બોડી આર્મર અને અન્ય ટેક્ટિકલ સાધનો સાથેની તસવીરો પણ મોકલી હતી. ત્યારબાદ પોલીસે પાપોરાકિસને તેના ઘરેથી બહાર નીકળતી વખતે જ કોર્ડન કરીને કસ્ટડીમાં લઈ લીધો હતો.
તપાસના ભાગરૂપે પોલીસે પાપોરાકિસના નિવાસસ્થાને સર્ચ વોરંટ આધારે દરોડો પાડ્યો હતો. આ તલાશી દરમિયાન પોલીસને એક રાઇફલ, અનેક ભરેલી રાઇફલ મેગેઝિન, સેંકડો રાઉન્ડ જીવતા કારતૂસ, ટેક્ટિકલ સાધનો અને બોડી આર્મર સાથેનું ટેક્ટિકલ વેસ્ટ મળી આવ્યું હતું. આ વેસ્ટ પર ‘વ્હાઇટ સુપ્રીમસી’ (શ્વેત સર્વોપરિતા) ની કટ્ટરપંથી વિચારધારા સંબંધિત બેજ અને ચિહ્નો મળ્યા હતા. આ ઉપરાંત સાઉથ એશિયન વારસો ધરાવતા લોકો, ખાસ કરીને ભારતીય મૂળના સમુદાય વિરુદ્ધ હિંસા આચરવાના ઉશ્કેરણીજનક નિવેદનો પણ મળી આવ્યા હતા.
ગુપ્તચર વિભાગના મતે, આરોપી 11 ઓક્ટોબરે જ ઓરોરા વિસ્તારમાં આવેલા હિન્દુ પ્રાર્થના સ્થળને નિશાન બનાવવાની ફિરાકમાં હતો. આરોપી સામે આતંકવાદી ધમકી આપવા (ક્લાસ X ગુનો) અને ગેરકાયદેસર શસ્ત્રો રાખવાના ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડિટેન્શન સુનાવણી દરમિયાન અદાલતે તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
પેલેટાઇન પોલીસ વડા વિલિયમ નોર્ડે જણાવ્યું હતું કે, “આ જોખમની ગંભીરતાને ઓછી આંકી શકાય તેમ નથી. બંને પોલીસ વિભાગોના ત્વરિત સંકલનથી શકમંદને કસ્ટડીમાં લેવામાં સફળતા મળી છે. અમે એફબીઆઈ (FBI) તેમજ સૌપ્રથમ માહિતી આપનાર જાગૃત નાગરિકના આભારી છીએ. ધાર્મિક સ્થળો અને સમુદાયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”