
ઉત્તર પ્રદેશમાં બુધવારે આવેલા ભારે વાવાઝોડા, વરસાદ અને કરાના કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થવા, ઘરોને નુકસાન પહોંચવા અને વીજળી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નોંધાયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યના 38 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરી ભારે વરસાદ, વીજળી અને તેજ પવનની ચેતવણી આપી છે.
પશ્ચિમી વિક્ષેપના અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ અચાનક હવામાન પલટાયું હતું. ઉન્નાવ અને પ્રયાગરાજમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. તેજ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા, ટીનના શેડ ઉડી ગયા અને સાઇનબોર્ડ તૂટી પડ્યા. પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ અને બાંદામાં પવનની ગતિ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. બરેલી અને બદાયૂંમાં પણ ભારે પવનથી રસ્તા પર લગાવવામાં આવેલા યુનિપોલ અને બોર્ડને નુકસાન થયું હતું.
રાજ્યમાં વાવાઝોડા સંબંધિત ઘટનાઓમાં સૌથી વધુ 5 મોત બદાયૂંમાં નોંધાયા છે. ફતેહપુરમાં અલગ-અલગ અકસ્માતોમાં 5 લોકોનાં મોત થયા, જ્યારે ભદોહીમાં એક લીમડાનું ઝાડ ઘર પર પડી જતા 4 લોકોનાં જીવ ગયા. ઉન્નાવ જિલ્લામાં પણ વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 3 લોકોનાં મોત થયા છે.
ઉન્નાવના દહી વિસ્તારના શિગુપુર ગામમાં 70 વર્ષીય રામ આશ્રય કેરીના ઝાડ નીચે બેઠા હતા ત્યારે ઝાડ તૂટી પડતાં તેમનું મોત થયું હતું. આસિવન વિસ્તારના મકબુલ ખેડા ગામમાં રસ્તા પાસેનું નીલગિરીનું ઝાડ પડતાં 9 વર્ષીય અંશનું પણ મોત થયું હતું. આ ઉપરાંત અમિત અને રાજેપાલ નામના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને લખનૌ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઉન્નાવના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સુશીલ કુમારે જણાવ્યું કે જિલ્લામાં ત્રણ લોકો અને ત્રણ પશુઓના મોતની પુષ્ટિ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે લખનૌ, ઉન્નાવ, સીતાપુર સહિત આસપાસના વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદ, વીજળી અને 60 કિમી પ્રતિ કલાક સુધીના પવનની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના 38 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં છે.
લખનૌ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અતુલ કુમાર સિંહના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાથી આજે અને આવતીકાલે હવામાન અસ્થિર રહી શકે છે. ભારે પવન અને વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ 15 મે બાદ ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જઈ શકે છે.
અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો
Published On - 9:36 pm, Wed, 13 May 26