મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ (Uma Bharti) રવિવારે એક દારૂની દુકાનમાં તોડફોડ કરી હતી. ભોપાલના બીએચઈએલ વિસ્તારના આઝાદ નગરમાં દારૂની દુકાનમાં ઘૂસીને ઉમા ભારતીએ પથ્થરમારો કર્યો હતો. જોતજોતામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, ઉમા ભારતીએ દારૂ પર પ્રતિબંધને લઈને દારૂની દુકાનોની બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, પાછલા કેટલાક દિવસોમાં, તેમણે કહ્યું હતું કે તે દારૂની દુકાનો સામે ઊભી રહેશે અને લોકોને પૂછશે કે શું તેમને આ વિસ્તારમાં દુકાન જોઈએ છે કે નહીં.
તેમણે કહ્યું કે દારૂની નવી નીતિ આવવી જોઈએ. તે માટે તેઓ આ મહિને ફરી મીડિયા સામે પોતાની વાત રાખશે. તાજેતરમાં, તેઓ ભોપાલના તારાવલી સ્થિત દેવી મંદિરની પાસે દારૂની દુકાનની સામે ઉભા રહીને લોકોને પૂછ્યું કે શું તેમને અહીં દારૂની દુકાન જોઈએ છે કે નહીં. લોકોએ મંદિર પાસે આવેલી દારૂની દુકાન સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ સરકારે દારૂ સસ્તો કર્યો હતો. જ્યારે શાસક પક્ષ બીજેપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ગયા વર્ષે કહ્યું હતું કે તે 15 જાન્યુઆરી, 2022 સુધીમાં દારૂ પર પ્રતિબંધ લાદશે નહીં તો તે રસ્તા પર ઉતરશે. પરંતુ તારીખ પૂરી થયાના બે દિવસ બાદ જ, દારૂ પર પ્રતિબંધ તો દૂર, શિવરાજ કેબિનેટે નવી દારૂ નીતિની જાહેરાત કરી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી લિકર પોલિસી હેઠળ વિદેશી દારૂ પરની એક્સાઈઝ ડ્યૂટી 10 ટકાથી 13 ટકા સુધી ઘટાડવામાં આવી છે. એક જ દુકાન પર અંગ્રેજી અને દેશી દારૂ બંને મળશે. દ્રાક્ષ ઉપરાંત બેરીમાંથી પણ વાઈન બનાવવાની છૂટ આપવામાં આવશે. લોકો પહેલા કરતા ચાર ગણો વધુ દારૂ ઘરે રાખી શકશે. જે વ્યક્તિની વાર્ષિક આવક એક કરોડ રૂપિયા છે, તે ઘરે પણ બાર ખોલી શકશે. હાલમાં રાજ્યમાં 2544 દેશી દારૂ અને 1061 વિદેશી દારૂની દુકાનો છે.