ગણતંત્ર દિવસના અવસર પર આતંકવાદીઓ દિલ્હીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. મળેલા ઈનપુટ્સના આધારે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝડપથી કાર્યવાહી કરી આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ બનાવી હતી. દિલ્હી પોલીસે જહાંગીરપુરીથી ધરપકડ કરેલા બે આતંકવાદીઓના પગેરું ભાલવા ડેરીમાં સ્થિત એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી છે. થોડા દિવસો પહેલા આ આતંકીઓએ આ બિલ્ડિંગમાં વ્યક્તિની પણ હત્યા કરી હતી. આતંકીઓએ આ હત્યાનો વીડિયો તેમના આકાને મોકલ્યો હતો.
આ વીડિયોને દેશની ગુપ્તચર એજન્સીએ ઈન્ટરસેપ્ટ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જહાંગીર પુરીમાંથી બે શંકાસ્પદ ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તેમના કાવતરાનું કેન્દ્ર ભાલવા ડેરીમાં સ્થિત એક ઘર હતું.
પોલીસે આ આતંકીઓના રહેણાક ભાલવા ડેરી પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ ગણતંત્ર દિવસના અવસર પર કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ભાલવા ડેરી પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર બંને આતંકીઓ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાના હતા. આ માટે અર્શદીપે તેને ટાર્ગેટ આપ્યો હતો. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ અથવા તેના થોડા સમય પહેલા થવાની હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદી જગજીત સિંહ કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડાલાના સંપર્કમાં હતો. તે ઘણા સમયથી અર્શદીપ માટે કામ કરતો હતો. ગયા અઠવાડિયે જ ગૃહ મંત્રાલયે અર્શદીપને આતંકવાદી જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે 2017થી ફરાર અર્શદીપ દલા KTF એટલે કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકવાદી છે. જ્યારે નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારનો સભ્ય છે અને તાજેતરમાં હત્યાના બે કેસમાં આજીવન કેદની સજા કાપીને બહાર આવ્યો છે.
જહાંગીર પુરીમાંથી પકડાયેલ આતંકવાદી જગજીત ઉર્ફે જસ્સા ઉર્ફે યાકુબ ઉર્ફે કપ્તાન મૂળ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે. જ્યારે નૌશાદ દિલ્હીનો રહેવાસી છે. બંને હાલ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. આ આતંકવાદીઓને ઓળખવા માટે શુક્રવારે રાત્રે પોલીસ ભાલવા ડેરીની શ્રદ્ધાનંદ વિસ્તારમાં પહોંચી હતી. અહીં તેણે ભાડે મકાન લીધું હતું.
આ આતંકવાદીઓ અહીં સભાઓ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં આ આરોપીઓએ થોડા દિવસ પહેલા કોઈ વ્યક્તિની હત્યા પણ કરી હતી. પોલીસે તેના રૂમમાંથી બે હેન્ડ ગ્રેનેડ, ત્રણ પિસ્તોલ અને 22 જીવતા કારતૂસ ઉપરાંત કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ વાંધાજનક સામગ્રી ગણતંત્ર દિવસની ઘટનાના આયોજન અંગે હતી.