
ભારતીય ટેલિકોમ ગ્રાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) એ દેશના કરોડો પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને મોટી રાહત આપતા ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) નિયમ, 2026’ જાહેર કરી દીધા છે.
આ નવા સુધારાનો મુખ્ય હેતુ મોબાઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવતી રિચાર્જ યોજનાઓને વધુ પારદર્શી, ગ્રાહક-અનુકૂળ અને સસ્તા બનાવવાનો છે. નવા નિયમો લાગુ થયા પછી હવે મોબાઈલ ગ્રાહકોને પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ Recharge પસંદ કરવાની વધુ આઝાદી મળશે.
છેલ્લા ઘણા સમયથી ટેલિકોમ કંપનીઓ સામાન્ય રીતે 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન ઓફર કરતી હતી. આના કારણે ગ્રાહકોને એક વર્ષમાં (365 દિવસમાં) 12 ની જગ્યાએ 13 વાર રિચાર્જ કરાવવું પડતું હતું, જેનાથી તેમના પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો.
સરકારના આ નવા નિયમ હેઠળ હવે કંપનીઓ માટે પૂરા 30 દિવસની સ્પષ્ટ વેલિડિટી વાળા રિચાર્જ પ્લાન રજૂ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
આનાથી ગ્રાહકોને દર મહિને એક જ તારીખે રિચાર્જ કરવાની સુવિધા મળશે અને તેમણે વર્ષમાં માત્ર 12 વાર જ પેમેન્ટ કરવું પડશે. આ પગલાથી સામાન્ય ગ્રાહકના નાણાંની સીધી બચત થશે.
આ નીતિગત ફેરફારનો બીજો સૌથી મોટો ફાયદો એ ગ્રાહકોને થશે, જેઓ ઈન્ટરનેટ કે ડેટાનો ઉપયોગ નથી કરતા. નવા સુધારાઓ અનુસાર, ટેલિકોમ કંપનીઓએ માત્ર ‘વોઈસ કોલ અને SMS’ વાળા ખાસ પ્લાન પણ રજૂ કરવા પડશે.
અત્યાર સુધી જે ગ્રાહકોને માત્ર વાત કરવા માટે ફોનની જરૂર હતી, તેમણે પણ મજબૂરીમાં ડેટાવાળા મોંઘા પ્લાન લેવા પડતા હતા. હવે વડીલો, ગ્રામીણ વિસ્તારોના લોકો અને ઓછા બજેટવાળા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ આપવામાં આવ્યો છે, જેથી તેઓ ડેટાનો બિનજરૂરી ખર્ચ કર્યા વિના માત્ર બેઝિક કોલિંગ માટે સસ્તા રિચાર્જ પસંદ કરી શકે.
આ જનહિત અને નીતિગત ફેરફાર પાછળ લાંબા સમયથી ચાલી આવતી સામાન્ય જનતાની ફરિયાદો હતી. સંસદ સભ્ય રાઘવ ચઢ્ઢાએ 11 માર્ચે સંસદમાં ગ્રાહકોની આ સમસ્યાઓ અને મર્યાદિત રિચાર્જ વિકલ્પોનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો હતો.
તેમણે ગ્રાહકો માટે વધુ સસ્તા અને ફ્લેક્સિબલ વિકલ્પોની માંગ કરી હતી. નિયમોમાં થયેલા આ ઐતિહાસિક ફેરફાર પછી તેમણે ભારત સરકાર અને TRAI નો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, આ નિર્ણય સામાન્ય જનતાના હિતો, તેમની સુવિધા અને સાચી પસંદગીના અધિકારને ધ્યાનમાં રાખીને લેવાયેલું એક ખૂબ જ સરાહનીય પગલું છે.