દેશમાં કોરોના વાયરસની (Coronavirus) ત્રીજી લહેર (Third Wave) ચાલી રહી છે. છેલ્લી લહેર દરમિયાન, દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્ર(Maharashtra) જેવા રાજ્યોમાં આ મહામારીનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. અગાઉના વેવની તુલનામાં, આ વખતે કોવિડથી મૃત્યુની ટકાવારી ઓછી છે. તેમજ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પણ ઘણી ઓછી છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં ઝડપી રસીકરણના લીધે લોકોમાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડિસ ડેવલપ થઈ અને ઓમીક્રોનના હળવા સ્વરૂપને કારણે ત્રીજી લહેર અગાઉની વેવ જેટલી ઘાતક નથી બની.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની છેલ્લી લહેર દરમિયાન 11 એપ્રિલથી 1 મે 2021 વચ્ચે કોરોનાને કારણે કુલ 25,787 લોકોના મોત થયા હતા. જ્યારે આ વખતે 27 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી વચ્ચે ત્રીજી લહેરમાં 638 લોકોના મોત થયા છે. આ મુજબ, બીજી વેવની તુલનામાં આ વખતે 25,149 મૃત્યુ ઓછા થયા છે. આ વખતે મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુદર 0.05 ટકા રહ્યો છે, જ્યારે બીજી વેવ દરમિયાન મૃત્યુ દર 1.95 ટકા હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે ઝડપી રસીકરણ અને ઓમિક્રોન ઘાતકી ન હોવાને કારણે કોરોનાની લહેર ખૂબ જ હળવી છે.
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાની છેલ્લી વેવ દરમિયાન, 11 એપ્રિલથી 1 મે સુધી રાજધાનીમાં કોરોનાને કારણે કુલ 4,200 લોકોના મોત થયા હતા. આ વખતે ત્રીજી વેવમાં, 27 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધીના 20 દિવસના સમયગાળામાં કુલ 436 લોકોએ સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. આ મુજબ, દિલ્હીમાં આ લહેરમાં અગાઉની વેવની સરખામણીમાં 3764 લોકોના મોત ઓછા થયા છે. હોસ્પિટલમાં દાખલ થવામાં પણ 75 ટકાનો ઘટાડો થયો છે. બીજી વેવમાં એપ્રિલ દરમિયાન સક્રિય દર્દીઓની સંખ્યા 90 હજારને વટાવી ગઈ હતી. તેમાંથી લગભગ 11 હજાર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે 90 હજારથી વધુ એક્ટિવ કેસ હોવા છતાં માત્ર 2100 દર્દીઓ દાખલ થયા છે. તેમાંથી, મોટી સંખ્યામાં દર્દીઓ અને વૃદ્ધ લોકો ક્રોનિક રોગથી પીડાય છે.
આરએમએલ હોસ્પિટલના ડૉક્ટર દીપક કુમારનું કહેવું છે કે કોરોનાની છેલ્લી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે દેશમાં રસીકરણ પણ વધારે થયું ન હતું, પરંતુ આ વખતે રસીકરણ પૂરતું હતું. ઉપરાંત, આ વખતે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા હળવો હતો. આનાથી દર્દી ગંભીર રીતે બીમાર નથી પડતા. આ જ કારણ છે કે અગાઉના વેવની તુલનામાં આ વખતે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘણી ઓછી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: