પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સુરક્ષામાં ખામીનો મામલાએ હવે જોર પકડ્યું છે. એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (Ram Nath Kovind) આ સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે ત્યાં કેબિનેટની બેઠકમાં પંજાબ સરકારના વલણ પર તમામે નારાજગી વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય રમતગમત, યુવા કાર્યક્રમ અને માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે જ્યારે આવી ભૂલ થાય છે ત્યારે તેના પર કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ક્ષતિ બાદ બધાએ પોત-પોતાના મંતવ્યો આપ્યા છે. સુપ્રીમ કોર્ટ અને ગૃહ મંત્રાલય તેમાં પોતાનું કામ કરી રહ્યા છે. જ્યારે આવી ક્ષતિ થશે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને ઘૃણાસ્પદ રાજનીતિ ગણાવી હતી. તેમણે કહ્યું, ગઈકાલે આપણા વડાપ્રધાન પંજાબ ગયા હતા, જ્યાં કોંગ્રેસની સરકાર છે. શું તમે કલ્પના કરી શકો છો કે ભારતના વડાપ્રધાન જાય છે અને તેમની સુરક્ષામાં કોઈ ખામી હોય છે. અમે પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છીએ પરંતુ અમે અમારા જીવનમાં ક્યારેય આવી ઘૃણાસ્પદ રાજનીતિ સ્વીકારી નથી.
બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કેટલી રાજકીય દુશ્મનાવટ છે કે કોંગ્રેસે વડાપ્રધાનનો જીવ જોખમમાં મુક્યો છે. હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે રાજકીય મતભેદો એવા નથી કે તમે નફરતની આગમાં બળી જાઓ.
જણાવી દઈએ કે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા હતા જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગવાનો હતો.
ગૃહ મંત્રાલયે કહ્યું કે ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કરવામાં આવી હતી. આ પછી વડાપ્રધાન સડક માર્ગે પ્રવાસ માટે આગળ વધ્યા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીને 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાવું પડ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.
આ પણ વાંચો : UP: SP MLC પુષ્પરાજ જૈનના 40 થી વધુ સ્થળો પર દરોડા, 88 કરોડની છેતરપિંડી, નકલી બિલ બુક પણ મળી આવી