3 મહિના સુધી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે. વડાપ્રધાન સહિત 58 પ્રધાનોની શપથવિધિ બાદ આજે નક્કી થશે કે કોને કયું ખાતું મળશે. મોદી સરકારમાં 25 કેબિનેટ, 9 સ્વતંત્ર હવાલાવાળા અને 24 રાજ્યપ્રધાન છે. જેમને ખાતાની ફાળવણી કરવા આજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળશે.
ત્યારે સૌ કોઈની નજર તેના પર છે કે કોને કયું ખાતું મળશે. સુષ્મા સ્વરાજ આ વખતે સરકારનો હિસ્સો નથી. જેથી વિદેશપ્રધાન તરીકેની મહત્વની ખુરશી પર કોને બેસાડાશે તે હજુ રહસ્ય છે. ગૃહપ્રધાન પદે રાજનાથસિંહ અને સંરક્ષણ પ્રધાન તરીકે નિર્મલા સીતારમણનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે બીજીવાર સત્તાની ખુરશી સંભાળ્યા બાદ હવે મોદી સરકારની પ્રજા પ્રત્યેની જવાબદારી વધી જાય છે.
પ્રજાએ વિશ્વાસ મૂક્યો હોવાથી હવે સરકારની જવાબદારી છે કે પ્રજા માટે વિકાસના કાર્યો કરે. જે સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી ત્યાં લોકોની મૂળભૂત જરૂરીયાતો પૂરી થાય. ગરીબી અને બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓ પણ દૂર થાય તે સરકાર પાસે ઈચ્છનીય છે. પ્રધાનોને ખાતાની ફાળવણી બાદ એ જાણવું પણ રસપ્રદ રહેશે કે- મોદી સરકાર પ્રજા માટે પહેલો નિર્ણય કયો લેશે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર મહિલાઓ માટે બન્યું અસુરક્ષિત!, જુઓ VIDEO