Breaking News : પયગંબર મોહમ્મદ પર કથિત વાંધાજનક ટિપ્પણીવાળા ‘વીડિયો’ હટાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે ફગાવી ‘અરજી’

સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને વીડિયો અંગે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીઓ ધરાવતા વીડિયોના પ્રસાર પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

Breaking News : પયગંબર મોહમ્મદ પર કથિત વાંધાજનક ટિપ્પણીવાળા વીડિયો હટાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Image Credit source: AI Generated
| Updated on: Jul 15, 2026 | 3:44 PM

સુપ્રીમ કોર્ટે ‘પયગંબર મોહમ્મદ’ વિરુદ્ધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા કથિત વાંધાજનક ટિપ્પણીઓ ધરાવતા વીડિયોના પ્રસાર પર રોક લગાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. કોર્ટે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે, આવી અરજીઓનો ઉદ્દેશ્ય આ મામલાને સનસનાટીભર્યો બનાવવાનો હોય તેવું લાગે છે.

જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, આ એવો મામલો નથી કે, જેમાં બંધારણની કલમ 32 (અનુચ્છેદ 32) હેઠળ સુપ્રીમ કોર્ટના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે.

અરજીકર્તા વતી વકીલ પુલકિત અગ્રવાલે દલીલ કરી હતી કે, એક પોડકાસ્ટમાં કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓથી એક ચોક્કસ ધાર્મિક સમુદાયની લાગણીઓ દુભાઈ છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આવી સામગ્રીને લઈને કોઈ સ્પષ્ટ બંધારણીય વ્યવસ્થા નથી અને દેશભરમાં મોટી સંખ્યામાં આવા પોડકાસ્ટ અને વીડિયો પ્રસારિત થઈ રહ્યા છે.

જસ્ટિસ પી. એસ. નરસિમ્હાએ શું કહ્યું?

આના પર જસ્ટિસ પી. એસ. નરસિમ્હાએ કહ્યું, “અમે સમજીએ છીએ પરંતુ કલમ 32 હેઠળ દાખલ કરાયેલી આવી અરજીઓ અન્ય કોઈ હેતુ પૂરો કરતી હોય તેવું પ્રતીત થાય છે.”

સુનાવણી દરમિયાન જસ્ટિસ આલોક આરાધેએ અરજીકર્તાના વકીલને પૂછ્યું કે, શું તેઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (માહિતીને રોકવાની, દેખરેખ રાખવાની અને ડિક્રિપ્શન કરવાની પ્રક્રિયા અને સુરક્ષાના ઉપાયો) નિયમો, 2009 થી અજાણ છે.

આ મામલો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નાઝિયા ઇલાહી ખાન સાથે જોડાયેલો છે. આરોપ છે કે, તેમણે જૂન મહિનામાં એક પોડકાસ્ટ દરમિયાન પયગંબર મોહમ્મદ અને તેમના પરિવારના સંબંધમાં વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ પોડકાસ્ટના અંશો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમની વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ઘણી FIR નોંધવામાં આવી હતી.

અરજીમાં પક્ષકાર કોણ?

અરજીમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, યુટ્યુબ, ફેસબુક, એક્સ (X) અને નાઝિયા ઇલાહી ખાનને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

અરજીકર્તાએ કોર્ટ પાસે માંગ કરી હતી કે, ધાર્મિક મહાપુરુષો (જેમાં પયગંબર મોહમ્મદ અને ભગવાન શ્રીરામ પણ જોડાયેલ છે) તેમની વિરુદ્ધ જાણીજોઈને અપમાનજનક સામગ્રીના પ્રકાશન અને પ્રસારને રોકવા માટે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવે.

આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી આવા તમામ વીડિયો અને પોસ્ટ તાત્કાલિક હટાવવા તેમજ ભવિષ્યમાં આ પ્રકારની સામગ્રીના પ્રસારને રોકવા માટે જરૂરી વ્યવસ્થા કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, અરજીકર્તાએ ઉપલબ્ધ સામાન્ય ફોજદારી કાનૂની ઉપાયોનો સહારો લેવો જોઈએ.

Breaking News: 8 મહિના સુધી સ્પેસ સ્ટેશન બનશે ‘નવું ઘર’! ભારતીય મૂળના અનિલ મેનને કઝાકિસ્તાનથી ભરી ‘ઉડાન’, જાણો નાસાના આ ખાસ મિશન વિશે

Follow Us