
સુપ્રીમ કોર્ટે સોમવાર એક ઐતિહાસિક આદેશમાં દિલ્હી-NCR માં તમામ રખડતા શ્વાનોને માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ આદેશ કુતરા કરડવાના અને તેનાથી વધતી હડકવાની બીમારીના ખતરા બાદ આવ્યો છે. જેમા અનેક બાળકો અને વૃદ્ધો ન માત્ર ઈજાગ્રસ્ત થયા છે પરંતુ કેટલાકના તો મૃત્યુ પણ થયા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાએ અને જસ્ટીસ આર મહાદેવનની બેંચે તેમના આદેશને કોઈપણ પ્રકારના સમાધાન કે બાંધછોડ વિના પાલન કરવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન આ પ્રક્રિયાનો વિરોધ કરશે તો તે તેમની સામે કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યું કે કૂતરા કરડવા અને હડકવાની સમસ્યા પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘NCT દિલ્હી પ્રદેશ, MCD અને NDMC ને કૂતરાઓ માટે આશ્રયસ્થાનો બનાવવા અને આવા માળખાગત બાંધકામ અંગે 8 અઠવાડિયાની અંદર આ કોર્ટને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. કૂતરાઓના આશ્રયસ્થાનોમાં નસબંધી અને રસીકરણ માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. કૂતરાઓના આશ્રયસ્થાનો પર CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવશે.’ રખડતા કૂતરાઓની સમસ્યાથી જનતાને મુક્તિ આપવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશના પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે.
તાજેતરમાં એક સમાચારપત્રમાં માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ફક્ત દિલ્હીમાં જ કૂતરા કરડવાના 2,000 બનાવોના અહેવાલો હતા. જ્યારે, દેશમાં આ સંખ્યા દરરોજ 20,000 હોવાનો અંદાજ હતો. આ અહેવાલ મુજબ, 2016 માં હાથ ધરવામાં આવેલા છેલ્લા કૂતરા સર્વેમાં, ફક્ત તત્કાલીન પૂર્વ કોર્પોરેશનમાં 1,89,285 રખડતા કૂતરા હતા. 2023 માં, દિલ્હીમાં 57,173 લોકોને કૂતરા કરડ્યા હતા, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં, આ આંકડો 44,995 પર પહોંચી ગયો હતો.