
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, માસિક ધર્મની સ્વચ્છતા (Menstrual Hygiene) નો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગોપનીયતા (Privacy) ના અધિકારનો મહત્વનો ભાગ છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, તેઓ તમામ શાળાઓમાં ભણતી છોકરીઓને મફતમાં બાયોડિગ્રેડેબલ (પર્યાવરણને અનુકૂળ) સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવે. આ ચુકાદો જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં શાળાએ જતી છોકરીઓ માટે મફત સેનિટરી પેડ અને સાફ-સુથરા શૌચાલયની સુવિધાની માંગ કરતી એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ બાબતે જ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને મફતમાં સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવે.
જસ્ટિસ પારડીવાલાએ ચુકાદો સંભળાવતા પહેલા કહ્યું કે, આ મુદ્દે વાત પૂર્ણ કરતા પહેલા અમે કહેવા માંગીએ છીએ કે, આ જાહેરાત માત્ર કાનૂની વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો માટે નથી. આ એ ક્લાસરૂમ્સ માટે પણ છે કે, જ્યાં છોકરીઓ મદદ માંગતા ખચકાટ અનુભવે છે. આ એવા શિક્ષકો માટે છે કે, જેઓ મદદ કરવા માંગે છે પરંતુ સંસાધનોના અભાવે તેવું કરી શકતા નથી. પ્રગતિ એ વાત પરથી નક્કી થાય છે કે, આપણે નબળા (વંચિત) લોકોની કેટલી રક્ષા કરીએ છીએ.
આ ચુકાદો જયા ઠાકુર અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેમાં શાળા છોડનારી છોકરીઓની વધતી સંખ્યા અને ગરિમાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.