
Jammu Kashmir: મુઝફ્ફરનગર થપ્પડની ઘટનાની આગ હજુ ઓલવાઈ ન હતી કે જમ્મુ-કાશ્મીરમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કઠુઆ જિલ્લાની એક સરકારી શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીને બોર્ડ પર ધાર્મિક સ્લોગન લખવા બદલ શિક્ષકે એવી સજા ફટકારી કે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપી શિક્ષકની શનિવારે ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મુઝફ્ફરનગરના વિદ્યાર્થીએ જણાવી પોતાની વેદના, વિવાદ પર શિક્ષકનું પણ સામે આવ્યુ નિવેદન
આ મામલો કઠુઆની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલનો છે, જ્યાં એક બાળકે ક્લાસ બોર્ડ પર ‘જય શ્રી રામ’ લખ્યું હતું. જે બાદ શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સરકારી શાળાના પ્રિન્સિપાલ પર એક કિશોર વિદ્યાર્થી સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે. પરંતુ હાલ પ્રિન્સિપાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. વિદ્યાર્થીને એવી રીતે મારવામાં આવ્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
આ મામલે કડક કાર્યવાહી કરતા કઠુઆના ડેપ્યુટી કમિશનર રાકેશ મિન્હાસે પણ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમનો આ ઘટના પર વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો.
પોલીસના સત્તાવાર નિવેદનો અનુસાર, પીડિત વિદ્યાર્થીના પિતા કુલદીપ સિંહે 25 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેના પુત્રને સ્કૂલના પ્રિન્સિપાલ મોહમ્મદ હાફિઝ અને શિક્ષક ફારૂક અહેમદ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને સ્ટેશન ઈન્ચાર્જના નેતૃત્વમાં એક ટીમ મોકલીને શિક્ષકની ધરપકડ કરી હતી.
તાજેતરમાં જ મુઝફ્ફરનગરથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક ખાનગી શાળામાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અન્ય બાળકો સ્કૂલના શિક્ષકના આદેશ પર ક્લાસના એક વિદ્યાર્થીને થપ્પડ મારતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાંનો વિદ્યાર્થી વાસ્તવમાં ચોક્કસ સમુદાયમાંથી આવે છે.