ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને રવિવારે એકઠી થયેલ ભીડે હોબાળો મચાવ્યો હતો. ટોળાએ પોલીસ ટીમ પર ભારે પથ્થરમારો કર્યો હતો અને રોડ પરના વાહનોમાં આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ 4 બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી.
હિંસા પર ઉતરેલા ટોળાએ એક કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. પોલીસે 10 લોકોની અટકાયત કરી છે. જ્યારે, હિંસામાં એક યુવકનું મોત થયું છે. પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવા ઉપરાંત લાઠીચાર્જ કરવો પડ્યો હતો..
સંભલમાં તોફાન બાદ હાલમાં પણ તણાવ યથાવત છે. બનાવની જાણ થતા જ, જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપી 5 પોલીસ સ્ટેશનની પોલીસ સાથે ઘટના સ્થળે પહોચીને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યરત છે. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી 10 લોકોની અટકાયત કરી છે.
પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું કે, મસ્જિદ પાસે ભીડમાંથી કેટલાક તોફાનીઓ બહાર આવ્યા અને પોલીસ ટીમ પર ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરનારા તત્વોને છોડવામાં નહીં આવે.
સંભલ જિલ્લાની જામા મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે તે હરિહર મંદિર છે. આ અંગે હિન્દુ પક્ષ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટના આદેશ બાદ 19 નવેમ્બરની રાત્રે મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પછી આજે ફરી એક ટીમ સર્વે કરવા માટે શાહી જામા મસ્જિદ પહોંચી હતી. સવારે બધું શાંત હતું. મસ્જિદની અંદર સર્વેનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મસ્જિદની બહાર લોકોની ભીડ એકઠી થવા લાગી અને લોકોએ હોબાળો મચાવ્યો. ત્યારબાદ કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો.
જો કે, મસ્જિદ કમિટીએ આ સર્વે માટે પોતાની સંમતિ આપી દીધી હતી. સર્વે દરમિયાન બંને પક્ષો હાજર રહ્યા હતા. અશાંતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સંભલ એસપી શાંતિ જાળવવાની અપીલ કરતા જોવા મળે છે.
જ્યારે, હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન કહે છે કે, સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. સર્વે દરમિયાન મસ્જિદની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. સર્વે સંપૂર્ણપણે સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. સર્વે રિપોર્ટ 29મીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.