
આપણે માત્ર મહાસત્તા નહીં પરંતુ વિશ્વ નેતા બનવાની જવાબદારી પણ નિભાવવી પડશે, એવું આરએસએસ વડા મોહન ભાગવતે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મને ઉન્નત કરવાનો સમય હવે આવી ગયો છે અને આ દિશામાં દરેક હિન્દુએ પોતાની ભૂમિકા નિભાવવી જરૂરી છે.
તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે સનાતન ધર્મ અને ભારતના વૈશ્વિક નેતૃત્વના મિશન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, તમામ હિન્દુઓને એક કરવાનો અને સનાતન ધર્મને મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે. ભારતની પ્રગતિ નિશ્ચિત છે, પરંતુ આપણે માત્ર મહાસત્તા બનીને અટકી ન જઈએ, પરંતુ વિશ્વને માર્ગદર્શન આપનાર નેતા બનવું પડશે.
ભાગવતે વધુમાં જણાવ્યું કે ભારતમાં આરએસએસ અને વિદેશમાં હિન્દુ સ્વયંસેવક સંઘનું મુખ્ય લક્ષ્ય સમગ્ર વિશ્વના હિન્દુ સમુદાયને એક કરવાનું છે. ન્યાયી જીવન જીવતા સમાજનું ઉદાહરણ સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવું એ આ સંગઠનોનું ધ્યેય છે.
યોગી અરવિંદને ટાંકીને મોહન ભાગવતે કહ્યું કે, સનાતન ધર્મનું પુનરુત્થાન ભગવાનની ઇચ્છા છે. તેમણે યાદ અપાવ્યું કે 100 વર્ષ પહેલાં યોગી અરવિંદે જાહેર કર્યું હતું કે, સનાતન ધર્મના પુનરુત્થાન માટે હિન્દુ રાષ્ટ્રનો ઉદય જરૂરી છે. તેમના મતે ‘ભારત’ અથવા ‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘સનાતન ધર્મ’ એકબીજાના પૂરક છે અને એકબીજાથી અલગ નથી.
RSSના કાર્ય વિશે વાત કરતા ભાગવતે કહ્યું કે ભારતમાં સંઘના પ્રયાસો અને વિદેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘોના પ્રયાસો એકસરખા છે. હિન્દુ સમાજને એક કરવો. તેમણે ઉમેર્યું કે 100 વર્ષ પહેલાં શરૂ થયેલી પ્રક્રિયાને હવે વધુ વેગ આપવાની જવાબદારી આપણી સૌની છે.
સેવા અંગે બોલતા મોહન ભાગવતે કહ્યું કે સાચી સેવા નિસ્વાર્થ હોવી જોઈએ. તેમણે કહ્યું કે દર પાંચ વર્ષે એવા લોકો જોવા મળે છે જે સેવા કરવા માટે આગળ આવે છે, ઘેરઘેર જઈને હાથ જોડીને કહે છે કે અમને તમારી સેવા કરવાની તક આપો. પરંતુ થોડા સમય પછી તેઓ અદૃશ્ય થઈ જાય છે. કારણ કે ઘણીવાર સેવા પાછળ પુરસ્કાર અથવા લાભની અપેક્ષા હોય છે. આવી સેવા સાચી સેવા નથી, પરંતુ એક વ્યવહાર બની જાય છે. અમે તમારું કામ કરીએ, તમે અમારું કરો.