ખેડૂતને ટામેટાંના 10 રૂપિયા, ગ્રાહક ચૂકવે 30 રૂપિયા! આખરે વચ્ચે પૈસા કોણ કમાય છે?
ખેતરમાં ખેડૂતોને ટામેટાંના યોગ્ય ભાવ મળતા નથી. જ્યારે બજારમાં ગ્રાહકોને એ જ ટામેટાં મોંઘા ભાવે ખરીદવા પડે છે. આખરે ખેડૂત અને ગ્રાહક વચ્ચેના આ ભાવના તફાવત પાછળનું કારણ શું છે? ભારતીય રિઝર્વ બેંકના અભ્યાસમાં સામે આવ્યું છે ચોંકાવનારું સત્ય. જાણો ખેતરથી રસોડા સુધી ટામેટાંની સફર અને વચ્ચે કોણ કેટલો ફાયદો મેળવે છે.

ખેતરમાં ખેડૂતોને ટામેટાંના યોગ્ય ભાવ મળતા નથી. જ્યારે બજારમાં ગ્રાહકોને એ જ ટામેટાં મોંઘા ભાવે ખરીદવા પડે છે. આખરે ખેડૂત અને ગ્રાહક વચ્ચેના આ ભાવના તફાવત પાછળનું કારણ શું છે? ભારતીય રિઝર્વ બેંકના અભ્યાસમાં સામે આવ્યું છે ચોંકાવનારું સત્ય. જાણો ખેતરથી રસોડા સુધી ટામેટાંની સફર અને વચ્ચે કોણ કેટલો ફાયદો મેળવે છે. ચાલો, એક ટામેટાની સફર સમજીએ. એક નાનકડા ખેતરમાં છોડ પર ટામેટું ઊગે છે. ગોપાલ નામનો ખેડૂત તેની સંભાળ રાખે છે. જૂન મહિનાની એક સવારે તે પાકેલું, લાલ અને મજબૂત ટામેટું તોડે છે અને બીજા એક હજાર ટામેટાં સાથે એક ક્રેટમાં ભરી દે છે.
એ જ દિવસે, ખેતરથી 30 કિલોમીટર દૂર આવેલી મંડીમાં ટામેટાંનો એટલો બધો જથ્થો આવી જાય છે કે કોઈ તેને ખરીદવા તૈયાર નથી. ગોપાલને એટલો ઓછો ભાવ કહેવામાં આવે છે કે ટ્રકનું ભાડું પણ નીકળે તેમ નથી. સાંજ સુધીમાં તેની આસપાસના કેટલાક ખેડૂતો રસ્તાની બાજુમાં પોતાના ટામેટાંનાં કેરેટ ખાલી કરી દે છે. ગોપાલ પોતાનો માલ લગભગ મફતના ભાવે વેચી દે છે. કારણ કે ટામેટાં વધુ સમય સુધી તાજા રહી શકે તેમ નથી. ગોપાલ પાસે પણ રાહ જોવાનો સમય નથી. કારણ કે તેણે દેવું ચૂકવવાનું છે.
મોટાભાગે લોકો કરે છે ટામેટાનો ઉપયોગ
ત્રણ મહિના પહેલાં, માર્ચમાં આ જ ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતાં હતાં. ત્યારે ઘણાં ઘરોમાં લોકોએ ટામેટાંનો ઉપયોગ કરીને રસોઈ બનાવવાનું પણ બંધ કરી દીધું હતું. તેમ છતાં જૂન મહિનામાં જ્યારે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે શેરીની દુકાનમાં ટામેટાંના ભાવમાં ખાસ ઘટાડો થતો નથી. જે દુનિયામાં માંગ અને પુરવઠા પ્રમાણે ભાવ સરળતાથી નક્કી થતા હોય, ત્યાં આ બંને બાબતો એકસાથે સાચી ન હોવી જોઈએ. પરંતુ ભારતમાં દર થોડા સમયના અંતરે આવું જોવા મળે છે. આ જ કારણ છે કે ભારતીય રિઝર્વ બેંકે એ જાણવાનો નિર્ણય કર્યો કે ખેતરથી રસોડા સુધીની સફરમાં આખરે શું થાય છે.
ત્રણ એવી શાકભાજી જેના કિંમતોમાં સૌથી વધુ ઉતાર-ચઢાવ
રિઝર્વ બેંકના સંશોધકોએ ત્રણ એવી શાકભાજીનો અભ્યાસ કર્યો, જેની કિંમતોમાં સૌથી વધુ ઉતાર-ચઢાવ જોવા મળે છે. ટામેટાં, ડુંગળી અને બટાકા. તેમના અભ્યાસમાંથી સામે આવેલી વાત સમજવામાં સરળ છે. પરંતુ તેને ભૂલી જવી મુશ્કેલ છે. ખેડૂતને ગ્રાહક જે ભાવ ચૂકવે છે. તેનો માત્ર લગભગ એક તૃતીયાંશ હિસ્સો જ મળે છે. બાકીના પૈસા વચ્ચેની વ્યવસ્થામાં સામેલ લોકો પાસે જાય છે. જેઓ શાકભાજી એકઠી કરે છે, તેનું પરિવહન કરે છે, સંગ્રહ કરે છે અને જથ્થાબંધ કે છૂટક વેચાણ કરે છે. સરખામણી કરીએ તો દૂધના અંતિમ વેચાણ ભાવમાંથી લગભગ 70 ટકા રકમ ડેરી ખેડૂતને મળે છે. એટલે કે જો કોઈ ગ્રાહક એક કિલો શાકભાજી માટે 30 રૂપિયા ચૂકવે છે. તો તેને ઉગાડનાર ખેડૂતને કદાચ માત્ર 10 રૂપિયા જ મળતા હોય છે.
વચ્ચેના વેપારીઓને દોષ આપવો કેટલો યોગ્ય?
આ બાબત માટે વચ્ચેના વેપારીઓને દોષ આપવો અન્યાયી ગણાશે. શાકભાજી ઝડપથી બગડી જાય છે. તેને છાંટવી પડે છે. વાહનમાં ભરવી પડે છે. ઠંડી જગ્યાએ રાખવી પડે છે અને બગડે તે પહેલાં વેચવી પડે છે. આ બે તૃતીયાંશ રકમમાંથી મોટો હિસ્સો વાસ્તવિક ખર્ચ માટે વપરાય છે. જેમ કે ટ્રકનું ભાડું, બરફ, સંગ્રહની વ્યવસ્થા, દુકાનનું ભાડું અને રસ્તામાં બગડી જતી શાકભાજીનું નુકસાન. આ અભ્યાસમાં દરેક કડીમાં કેટલો નફો થાય છે તેની વિગતો આપવામાં આવી નથી. તેથી કોણ સૌથી વધુ કમાણી કરે છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ વ્યવસ્થા એક ખાસ ક્ષમતાને મહત્ત્વ આપે છે. અને એ ક્ષમતા લાલચ નહીં, પરંતુ રાહ જોઈ શકવાની છે.
જે રાહ જોઈ શકે છે, તે વધુ કમાય છે!
ગોપાલ પાસે ન તો કોલ્ડ સ્ટોરેજ છે કે ન તો વધારાની રોકડ રકમ. તેથી તે ટામેટાં તોડ્યાના દિવસે જ વેચી દે છે. તેની આસપાસના ખેડૂતો પણ આવું જ કરે છે. અને આ જ એ દિવસ હોય છે જ્યારે ટામેટાંના ભાવ સૌથી ઓછા હોય છે. બીજી તરફ, કોલ્ડ સ્ટોરેજ અને થોડા વધારાના પૈસા ધરાવતો વેપારી આ માલને થોડાં અઠવાડિયાં સુધી સાચવી શકે છે. જ્યારે બજારમાં ભાવ વધે ત્યારે તે ટામેટાં વેચી શકે છે. ટામેટાં એ જ છે અને ખેતર પણ એ જ છે. પરંતુ જે વ્યક્તિ રાહ જોઈ શકે છે, તે વધુ કમાણી કરે છે. બજારને ઘણીવાર ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચેની સ્પર્ધા તરીકે જોવામાં આવે છે. પરંતુ ઝડપથી બગડી જતી વસ્તુઓના બજારમાં સ્પર્ધા એવા લોકો વચ્ચે પણ હોય છે, જેઓ રાહ જોવાનો ખર્ચ ઉઠાવી શકે છે અને જેઓ પાસે એટલી ક્ષમતા નથી.
શાકભાજીના ભાવમાં વારંવાર ઉતાર-ચઢાવ કેમ આવે છે?
આ જ ઉતાવળ શાકભાજીના ભાવમાં થતા મોટા ઉતાર-ચઢાવને પણ સમજાવે છે, જે ઘણીવાર સમાચારોની હેડલાઇન્સ બને છે. જ્યારે કોઈ શાકભાજીના ભાવ વધે છે, ત્યારે ઘણા ખેડૂતો તેના સમાચાર સાંભળીને એ જ પાકનું વાવેતર કરવા લાગે છે. થોડા મહિના પછી એકસાથે મોટો જથ્થો બજારમાં આવે છે અને ભાવ અચાનક તૂટી પડે છે. આગામી સિઝનમાં નિરાશ થયેલા ખેડૂતો એ પાકનું ઓછું વાવેતર કરે છે. પરિણામે બજારમાં અછત સર્જાય છે અને ભાવ ફરી વધી જાય છે. ત્યારબાદ ફરી એ જ ચક્ર શરૂ થાય છે.
એક રીતે જોઈએ તો બજારના ભાવ ખેડૂતોને ખોટો સંદેશ આપે છે. કારણ કે કયો પાક વાવવો જોઈએ તેની જાણકારી તેમને ત્યારે મળે છે, જ્યારે વાવણીનો સમય વીતી ગયો હોય છે. આ ઉપરાંત, ગરમીની લહેર અથવા એક અઠવાડિયા સુધી પડતો ભારે વરસાદ થોડા જ દિવસોમાં આખો પાક બરબાદ કરી શકે છે અને ભાવમાં થતા ઉતાર-ચઢાવને વધુ ગંભીર બનાવી શકે છે.
તેની સૌથી વધુ અસર કોના પર પડે છે?
આ પરિસ્થિતિની અસર દરેક વ્યક્તિ પર એકસરખી થતી નથી. રોજના મર્યાદિત બજેટમાં શાકભાજી ખરીદતા પરિવારોને ભાવમાં થતો દરેક રૂપિયાનો વધારો ભારે પડે છે. જે પરિવારો પોતાની આવકનો મોટો હિસ્સો ખાવા-પીવા પાછળ ખર્ચે છે, ખાસ કરીને ગરીબ પરિવારો, તેમના પર સૌથી વધુ અસર થાય છે. ખેડૂતને પાકના ભાવ ઘટવાથી નુકસાન સહન કરવું પડે છે.
જ્યારે ખેતરથી દૂર રહેતા પરિવારોને પણ તેની અસર થાય છે, કારણ કે ભારતીય પરિવારોના કુલ ખર્ચમાં ખાદ્યપદાર્થોનો મોટો હિસ્સો હોય છે. જ્યારે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવે છે, ત્યારે એકંદર ફુગાવાનો દર પણ વધે છે. તેની અસર દરેક વ્યક્તિની લોનના વ્યાજદર પર પણ પડી શકે છે. આમ, એક નાનું ટામેટું પણ અર્થતંત્રના મોટા આંકડાઓમાં ફેરફાર લાવી શકે છે.
આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે?
રિઝર્વ બેંકનો અભ્યાસ કેટલાક એવા ઉપાયો તરફ ધ્યાન દોરે છે, જે કદાચ દેખાવમાં બહુ આકર્ષક ન લાગે, પરંતુ લાંબા ગાળે ઉપયોગી સાબિત થઈ શકે છે. બજારમાં વેચાણ અને માર્કેટિંગની વધુ સારી વ્યવસ્થા ઊભી કરવી. શાકભાજી સંગ્રહ કરવાની સુવિધાઓ વધારવી. શાકભાજીની પ્રક્રિયા કરીને તેને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા કરવી.
ગરમી અને અનિશ્ચિત વરસાદનો સામનો કરી શકે તેવી પાકની નવી જાતો વિકસાવવા માટે વધુ સંશોધન કરવું. આ ફેરફારો ધીમે ધીમે થશે, પરંતુ તેના ફાયદાની કલ્પના કરવી મુશ્કેલ નથી. ધારો કે ગામમાં એક કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે, તો ખેડૂતને ત્રણ કલાકની જગ્યાએ ત્રણ દિવસ સુધી રાહ જોવાની તક મળી શકે છે.
એવી જ રીતે, એક નાનકડું પ્રોસેસિંગ યુનિટ વધારાનાં ટામેટાંમાંથી પ્યુરી બનાવી શકે છે. જેથી બજારમાં ટામેટાંનો જથ્થો વધી જાય ત્યારે તેને ફેંકી દેવાની જરૂર ન પડે. આવા દરેક પ્રયાસથી રાહ જોઈ શકવાની ક્ષમતા ધરાવતા લોકોનો ફાયદો ઓછો થાય છે. એટલે કે બજાર થોડું વધુ ન્યાયી બને છે અને કોઈને ગરીબ બનાવ્યા વિના દરેકને ફાયદો થઈ શકે છે.
ખેતરથી ગ્રાહક સુધી ટામેટાંની સફર !
આ દરમિયાન ગોપાલનાં ખેતરમાંથી ટામેટાં ભરેલો ટ્રક નીકળે છે. તે મંડી અને કોલ્ડ સ્ટોરેજમાંથી પસાર થઈને શહેરની એક દુકાન સુધી પહોંચે છે. ત્યાં એક મહિલા ટામેટું હાથમાં લે છે, તેને ફેરવીને તપાસે છે અને પોતાની થેલીમાં મૂકી દે છે. આ સમગ્ર સફર દરમિયાન દરેક વ્યક્તિએ પોતાનો હિસ્સો લઈ લીધો હતો. મહિલાએ પૈસા ચૂકવ્યા અને ઘરે જતી રહી. પરંતુ તેણે એક ક્ષણ માટે પણ એ ખેતર વિશે વિચાર્યું નહીં, જ્યાં આ ટામેટું ઉગાડવામાં આવ્યું હતું. જ્યારે તમે એક કિલો ડુંગળીના પૈસા ચૂકવો છો, ત્યારે તમારા મતે તેમાંથી સૌથી મોટો હિસ્સો કોને મળે છે?
સ્રોત: ભારતીય રિઝર્વ બેંકનો ભારતમાં શાકભાજીના ફુગાવા પરનો વર્કિંગ પેપર: ટામેટાં, ડુંગળી અને બટાકાનો અભ્યાસ. બિઝનેસ સ્ટાન્ડર્ડ (4 ઓક્ટોબર 2024)ના અહેવાલ અનુસાર. ગોપાલ એક કાલ્પનિક પાત્ર છે, અભ્યાસનાં તારણો નહીં.