પુણેમાં હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા, પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ સહિતના 5 ઝડપાયા

એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા પાડીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ધરપકડ કરાયેલા લોકોમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પરથી ડ્રગ્સ, દારૂ અને હુક્કા જપ્ત કરી કાઢ્યા છે.

પુણેમાં હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા, પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ સહિતના 5 ઝડપાયા
| Updated on: Jul 27, 2025 | 2:54 PM

મહારાષ્ટ્રના પુણેમાં એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા પાડીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ધરપકડ કરાયેલા લોકોમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પરથી ડ્રગ્સ, દારૂ અને હુક્કા જપ્ત કરી કાઢ્યા છે.

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા

શનિવારે મોડી રાત્રે પુણેના ખારડી વિસ્તારમાં એક હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા પાડીને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ‘સ્ટે બર્ડ’ નામના ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલી આ પાર્ટી દરમિયાન પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા જપ્ત કર્યા છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે બધા લોકો નશામાં ધૂત હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં એકનાથ ખડસેના જમાઈ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ) મહિલા પ્રદેશ પ્રમુખ રોહિણી ખડસેના પતિ પ્રાંજલ ખેવલકરનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત, મહિલા ધારાસભ્યના પતિ અને નામચિહ્ન સટ્ટાબાજ નિખિલ પોપટાણીનું નામ પણ સામે આવ્યું છે. આ ધરપકડ બાદ કાર્યવાહીએ રાજકીય મંડળોમાં હલચલ મચાવી દીધી છે.

ગેસ્ટ હાઉસમાં ચાલી રહી હતી પાર્ટી

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, રેડિસન હોટલની પાછળ એક ગેસ્ટ હાઉસમાં રેવ પાર્ટી ચાલી રહી છે. આ ગેસ્ટ હાઉસ બનસોડે નામના વ્યક્તિનું છે. માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. જણાવી દઈએ કે, તે સમયે ત્યાં મોટા અવાજે ડીજે વાગી રહ્યું હતું અને ત્યાં હાજર રહેલા લોકો નશાની હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે બધાને રંગેહાથ પકડી લીધા હતા. સ્થળ પરથી ડ્રગ્સ, દારૂ અને હુક્કા મળી આવ્યા છે. પોલીસે જપ્ત કરાયેલા ડ્રગ્સના સ્ત્રોત અને સપ્લાયર્સને શોધવા માટે તપાસ તેજ કરી છે.

એકનાથ ખડસેની પ્રતિક્રિયા સામે આવી

એકનાથ ખડસેનું કહેવું છે કે, ‘મને હમણાં જ આ અંગે ખબર પડી છે અને હું વધુ માહિતી મળે તે અંગે પ્રયાસ પણ કરી રહ્યો છું. મને શંકા તો હતી જ કે, હાલની રાજકીય પરિસ્થિતિને જોતાં આવું કંઈક બનશે. હું કોઈપણ ખોટા કામને સમર્થન નહી આપું, જો ખોટું કામ કરવામાં આવ્યું છે તો સજા મળવી જ જોઈએ.’

મીડિયા રિપોર્ટસ અનુસાર, એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર એક રિયલ એસ્ટેટ એજન્ટ છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ કામમાં પણ જોડાયેલા છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, કેવલકર પોતાને આંત્રપ્રિન્યોર અને ડૉક્ટર બતાવે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:53 pm, Sun, 27 July 25