
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ના વિમોચન પ્રસંગે પરિવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને અત્યાર સુધી ઓછી જાણીતી વાતો શેર કરી હતી. આ દરમિયાન તેમણે તેમના માતા-પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પહેલી મુલાકાતનો કિસ્સો પણ સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીની આ વાતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમના પરિવારમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પહેલી મુલાકાતને લઈને અનેક વાર્તાઓ પ્રચલિત હતી. તેમાંથી એક ખાસ વાર્તા કેમ્બ્રિજની ‘વર્સિટી રેસ્ટોરન્ટ’ સાથે જોડાયેલી હતી. આ જ રેસ્ટોરન્ટમાં તેમના માતા-પિતાની પહેલી મુલાકાત થઈ હતી. વર્ષો પછી જ્યારે રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે એ જ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા.
આ મુલાકાતનો અનુભવ શેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પોતાની ગર્લફ્રેન્ડને આ રેસ્ટોરન્ટમાં જવાની વાત કહી હતી, કારણ કે તેઓ એ જગ્યા જોવા માગતા હતા જ્યાં તેમના માતા-પિતા પહેલીવાર મળ્યાં હતાં. બંને રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને બેઠા. જ્યારે વેઈટર મેનુ લઈને આવ્યો ત્યારે રાહુલે તેને જણાવ્યું કે તેમના માતા-પિતા આ જ રેસ્ટોરન્ટમાં મળ્યાં હતાં.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, તેમની ગર્લફ્રેન્ડે આ વાત સાંભળીને આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે તેમના માતા-પિતાને ઓળખે છે. આ સાંભળીને રાહુલ ગાંધીએ પૂછ્યું કે તે તેમને કેવી રીતે ઓળખે છે? ત્યારે તેણે જણાવ્યું કે, રેસ્ટોરન્ટના લોકો પણ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વિશે જાણતા હતા. રાહુલે એ પણ યાદ કર્યું કે ત્યાંના વેઈટરે તેમને જણાવ્યું હતું કે તેમના માતા-પિતાએ અહીં જે ચિકન ખાધું હતું, તે જ ચિકન તેમણે પણ ખાધું હતું.
આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પરિવારના જીવનમાં આવેલા મુશ્કેલ સમયને પણ યાદ કર્યો હતો. તેમણે દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ પરિવાર પર પડેલી અસર વિશે વાત કરી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, પિતાના નિધન બાદ તેમની માતા સોનિયા ગાંધીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.
રાહુલે કહ્યું કે, પહેલાં હંમેશાં હસતી અને ખુશખુશાલ રહેતી તેમની માતા હવે પહેલાં જેવી રહી નહોતી. પિતાના નિધન બાદ જાણે એક નવી જ માતા તેમની સામે આવી હોય તેવો અનુભવ થયો હતો. તેમણે પરિવારના એ દુઃખદ સમયને યાદ કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધીની હત્યા અને ત્યારબાદ રાજીવ ગાંધીને ગુમાવવાની ઘટનાએ સમગ્ર પરિવારને અંદરથી હચમચાવી દીધો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે તેમણે સોનિયા ગાંધીને રાજીવ ગાંધીના નિધનના સમયની વાતો યાદ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ઘણી બાબતો યાદ હતી, પરંતુ રાજીવ ગાંધીના મૃત્યુ સમયે શું થયું હતું તે અંગે તેમને કંઈ યાદ નહોતું. રાહુલના કહેવા પ્રમાણે, આ ઘટના તેમના પરિવાર માટે અત્યંત આઘાતજનક હતી.
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સંબંધો વિશે વાત કરતાં જણાવ્યું કે, તેમના માતા-પિતા વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ અને સમજણ હતી. તેમણે એક રસપ્રદ વાત પણ શેર કરી કે, તેમણે પોતાના માતા-પિતાને જીવનમાં માત્ર એક જ વાર ઝઘડતાં જોયા હતા.
રાહુલે જણાવ્યું કે, આ ઘટના સમયે રાજીવ ગાંધી કેપ્ટન અમરિંદર સિંહ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. માતા-પિતાના સંબંધો વિશેની આ યાદો શેર કરતાં રાહુલ ગાંધીએ પુસ્તકમાં વર્ણવાયેલા પ્રેમ, લાગણી અને જીવનની સફર સાથે જોડાયેલા અનેક અંગત પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આવી રહ્યું છે વાવાઝોડું! 19 નવેમ્બરે ધારણ કરશે અંતિ ગંભીર સ્વરૂપ