પીપીએફ (Public Provident Fund)ની શરૂઆત 1968માં કરવામાં આવી હતી. પીપીએફ પર હાલમાં 7.9 % વ્યાજ આપવામાં આવે છે, પરંતુ પીપીએફના ઈતિહાસમાં 12% જેટલું માતબર વ્યાજ 14 વર્ષ સુધી આપવામાં આવેલુ હતું. સન 1986થી 2000 સુધી સતત 14 વર્ષ સુધી 12% સુધી રિટર્ન અપાતું હતું.
પીપીએફની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટ (National Savings Institute) દ્વારા બચત વધારવા અને ટેક્સમાં રાહત આપવાના હેતુથી કરવામાં આવી હતી અને શરૂઆતના પ્રથમ વર્ષમાં 4.5 % વ્યાજ આપવામાં આવેલું ત્યારબાદ 1969 – 1972 સુધી વ્યાજદરમાં વધારો કરીને 5% કરવામાં આવ્યો હતો.
1973 – 74માં વ્યાજના દરમાં ફરી વધારો કરીને 1/4/1974એ 5.8 % કરવામાં આવ્યો હતો અને આ રેટ તા. 31/7/1974 સુધી રહ્યા બાદ ફરીથી વધારીને 1/8/1974 – 31/3/1975 સુધી 7% થયો અને ત્યારથી અત્યાર સુધી ક્યારેય આ દર 7 %થી નીચે નથી ગયો. આ એક રેકોર્ડ છે કે લગભગ 45 વર્ષ સુધી આ દર 7% કે તેથી ઉપર જ રહ્યો છે અને આજ દિન સુધી છે. બીજી વાત કરીએ તો બેંક ફિક્સ ડિપોઝિટ પર ક્યારેય આટલું ઉચ્ચુ વળતર આપી શકી નથી.
વ્યાજદરમાં સમયાંતરે આવેલો બદલાવ
વર્ષ | વ્યાજદર |
1968 | 4.80 % |
1968 – 70 | 4.8 % |
1970 – 71 | 5 % |
1971 – 73 | 5 % |
1973 – 74 | 5.30 % |
1/4/74 – 31/7/74 | 5.80 % |
1/8/74 – 31/3/75 | 7% |
1975 – 77 | 7% |
1977 – 80 | 7.50 % |
1980 – 81 | 8 % |
1981 -83 | 8.5 % |
1983 – 84 | 9 % |
1984 – 85 | 9.5 % |
1985 – 86 | 9% |
1986 – 2000 | 12 % |
2000 – 2001 | 11 % |
2001 – 2002 | 9.50 % |
2002 – 2003 | 9 % |
2003 – 2011 | 8 % |
2011 – 2012 | 8.60 % |
2012 – 2013 | 8.80 % |
2013 – 2016 | 8.70 % |
1/4/2016 – 30/9/16 | 8.10 % |
1/10/2016 – 31/3/17 | 8 % |
1/4/2017 – 30/6/17 | 7.90 % |
1/7/2017 – 31/12/17 | 7.80 % |
1/1/2018 – 30/9/18 | 7.60 % |
1/10/2018 – 30/6/19 | 8 % |
1/7/2019 – 30/9/2019 | 7.90 % |
પીપીએફમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને જે એકાઉન્ટને પંદર વર્ષની મુદત કરતાં વધુ સમય સુધી ચાલુ રાખવું હોય તો પણ ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.
જો 500 રૂપિયા કરતાં ઓછું રોકાણ કરે તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને ફરીથી સક્રિય કરવા માટે 50 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે, એ જ રીતે 1.5 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ભરાઈ જાય તો પણ રકમ પર વધારે વ્યાજ મળતું નથી. જેથી 500 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
આ સ્ટોરી પણ વાંચો – Dominos Data Hacked : ડોમિનોઝના ગ્રાહકોનો ડેટા ચોરાયો, જાણો શું થઇ શકે છે દુરુપયોગ ?