
સંસદના બંને ગૃહો દ્વારા બહુમતીથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં, વક્ફ સુધારા બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. અગાઉ લોકસભામાં, તેના પક્ષમાં 288 મત પડ્યા હતા અને તેની વિરુદ્ધ 232 મત પડ્યા હતા. બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ આનો ભારે વિરોધ કર્યો. વિરોધ પક્ષોના નેતાઓએ તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી.
આ બિલ અંગે, સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપશે. ગરીબ મુસ્લિમો જે તેમના અધિકારોથી વંચિત હતા તેમને તેમના અધિકારો મળશે. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા સુધારા અને મંજૂરી બાદ, આ બિલનું નામ હવે યુનિફાઇડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) થઈ ગયું છે. આ કાયદો ખાતરી કરે છે કે મહિલાઓને વકફ મિલકતો પર સમાન વારસાગત અધિકારો મળે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
વક્ફ બોર્ડનું માળખું: બોર્ડમાં ઇસ્લામના તમામ વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે, જેમાંથી ચારથી વધુ બિન-મુસ્લિમ નહીં હોય.
વકફ મિલકતો પર નિયંત્રણ: વકફ બોર્ડની દેખરેખ રાખવા અને મિલકતોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે ચેરિટી કમિશનરની નિમણૂક કરવાનો પ્રસ્તાવ છે.
મહિલાઓ અને અનાથોના અધિકારોનું રક્ષણ: કોઈપણ વ્યક્તિ પોતાની મિલકતને વકફ તરીકે જાહેર કરી શકે છે પરંતુ વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથોની માલિકીની મિલકતોને વકફ તરીકે જાહેર કરી શકાતી નથી.
વિવાદોના નિરાકરણ માટે ટ્રિબ્યુનલ: દેશભરમાં 31,000 થી વધુ વકફ સંબંધિત કેસ પેન્ડિંગ હોવાથી, વકફ ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવ્યા છે. અસંતુષ્ટ પક્ષ સિવિલ કોર્ટમાં જઈ શકે તે માટે અપીલની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.
રાષ્ટ્રીય સંપત્તિ અને સ્મારકોનું રક્ષણ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળની મિલકતોને વકફ તરીકે જાહેર કરી શકાતી નથી.
સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ ગૃહમાં કહ્યું હતું કે, 2006 માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી, જેનાથી ફક્ત 163 કરોડ રૂપિયાની આવક થતી હતી. 2013ના સુધારા પછી પણ આ આવકમાં માત્ર 3 કરોડ રૂપિયાનો વધારો થયો. હાલમાં દેશમાં 8.72 લાખ વકફ મિલકતો છે પરંતુ તેમનું સંચાલન અસરકારક બનાવવાની જરૂર હતી.
વકફ સુધારા બિલ સહીત દેશમાં રોજબરોજ બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો