ગોવામાં (Goa) ભારતીય જનતા પાર્ટી (BJP) સતત બીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતને (Pramod Sawant) રાજ્યની બાગડોર સોંપવાનો નિર્ણય કર્યો છે. પ્રમોદ સાવંત ફરી રાજ્યની ગાદી સંભાળી શકે છે. સાવંત 24 માર્ચે સીએમ તરીકે શપથ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 સીટો જીતી છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા એટલે કે શનિવારે, સાવંત તેમની પાર્ટીના સાથી વિશ્વજીત રાણે સાથે નવી દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.
રાણેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, બેઠકમાં ગોવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) ના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષો સાથે, ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે.
ગોવામાં સરકારની રચનાની માટે ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુરુગનને નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. ગયા બુધવારે, સાવંતે સરકારની રચના અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ગોવાના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, ડેસ્ક પ્રભારી સીટી રવિ, ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડે અને પ્રદેશ મહાસચિવ સતીશ ધોની પણ હતા.
પીએમ મોદીને મળ્યા બાદ સાવંતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમારી પાર્ટી ગોવાના લોકોનો આભારી છે કે અમને ફરીથી રાજ્યની સેવા કરવાનો આદેશ આપ્યો. અમે આવનારા સમયમાં ગોવાની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
પાર્ટીએ હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. ભાજપના ગોવા એકમના વડા સદાનંદ શેટ તનાવડેએ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટી હોળીની ઉજવણી પછી સરકાર બનાવશે. જણાવી દઈએ કે બીજેપી સંસદીય બોર્ડે હજુ સુધી ગોવાના આગામી મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરી નથી.
પ્રમોદ સાવંતે રવિવારે કહ્યું કે હું ગઈકાલે દિલ્હી ગયો હતો. ભાજપના નિરીક્ષકો આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક માટે અહીં આવશે. શપથ ગ્રહણ સમારોહ અંગે પણ આવતીકાલે સાંજે નિર્ણય લેવામાં આવશે.